(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૬
સુરત જિલ્લાના કામરેજ વિસ્તારના બિલ્ડરને પર્વત પાટિયા વિસ્તારમાં આંતરી બે બાઇક પર આવેલા ચાર ઇસમો જેગુઆર કારની લૂંટ ચલાવી નાસી છુટયા હતા.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વેલંજા રોડ પર કઠોરગામમાં મેપલ વિલામાં રહેતાં કૃપેશકુમાર સુનિલભાઈ વીરડીયા ગતરોજ તેના સબંધીની જેગુઆર કાર (એમએચ.૦૧.એએમ.૪૧૬૨) લઈ કામ અર્થે નીકળ્યા હતા. કૃપેશભાઈ તેના મિત્ર હર્ષદ ધડુક સાથે કારમાં પુણા બી.આર.ટી.એસ.રોડ પરવટ પાટીયાથી રેશમા રો-હાઉસ ઓવરબ્રીજથી થોડે આગળથી પસાર થઈ રહયા હતા. આ સમયે આગળ ચાલતી બે બાઈકની સાઈડ લેવા માટે હોર્ન માર્યો હતો.આ સમયે બે બાઈક પર બેસેલા ચાર યુવકોએ પાછળ જોઈ જેગુઆર કાર જોઈ બાઈકને ગાડીની આગળ રોડ ઉપર ક્રોસ ઉભી કરી દીધી હતી. બાદમાં બાઈક પરથી ઉતારેલા ઈસમોએ ગાડી પાસે આવી ગાડીનો દરવાજો ખોલી બહાર નીકળી કાઠીયાવાડી ભાષામાં બોલી કાઠલો પકડી બહાર ખેંચી દીધો હતો. અને બાદમાં કૃપેશ પાસેથી કારની ચાવી ખેંચી લીધી હતી. કોલર પકડી ખેંચનાર ઈસમ ડ્રાઈવર સીટ પર બેસી ગયો હતો. આ સમયે અન્ય ત્રણ ઈસમોએ હર્ષ ધડૂકને પણ એલફેલ બોલી ગાડીમાંથી ઉતારી દીધો હતો. જો કે બાદમાં જેગુઆર કારની લૂંટ કરી જતા લુંટારાઓએ જણાવ્યું હતું કે રામ લાઠીયાને કહેજે કે બેલડીયાના પૈસા આપી જાય અને ગાડી લઈ જાય કહી કારની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ સમયે ગાડીની પાછળની સીટ ઉપરની એક કાળા કલરની બેગમાં બરોડા ગ્રામીણ કઠોર શાખાની ત્રણ અલગ અલગ બેંક એકાઉન્ટની પાસબુક તેમજ બે કોરી ચેકબુક તેમજ હીસાબના કાગળો અને વરાછા બેંક કામરેજ શાખાના લોકરની ચાવી હતી. તેની પણ લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. બનાવને પગલે આખરે કૃપેશે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પોલીસે ચારેય ઈસમો સામે કુલ ૨૦ લાખની લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં જાણવા મળ્યા મુજબ કાર રામ લાઠીયાની હતી. રામ લાઠીયા અને બેલડીયા વચ્ચે પૈસાની લેતી દેતી હતી. આ લેતી દેતીમાં જ કારની લૂંટ કરવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ તો પુણા પીઆઈ સગરે વધુ તપાસ હાથ ધરી છે.