(સંવાદદાતા દ્વારા) ખોલવડ, તા.૪
સુરત જિલ્લામાં ગેરકાયદેસર રેતીખનન અવિરત ચાલુ જ રહે છે. દરોડા પડે ત્યારે થોડા દિવસ બંધ રહે છે અને પુનઃ રેતી માફિયાઓ નદીમાં ઊતરી પડે છે. વારંવાર ચેકિંગ હાથ ધરાય છે. છતા ગેરકાયદેસર રેતીખનન બંધ થવાનું નામ લેતંુ નથી. જેમાં ઉપરથી નીચે સુધી ચાલતો ભ્રષ્ટાચાર પણ જવાબદાર હોવાનું મનાય છે. ભૂસ્તર કચેરીના કેટલાક લોકોની મિલીભગત હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને રેતી માફિયાઓ સતર્ક થઈ બધુ સંકેલી લે છે. ઘણીવાર ભૂસ્તર શાસ્ત્રીઓએ ખાલી હાથે પાછા ફરવું પડ્યું છે. જે તંત્રની મિલીભગત હોવાના પુરાવો સાથે છે. છતાં ભુસ્તરશાસ્ત્રી તેમની કામગીરી કરી રહ્યા છે. આજે પુનઃ એકવાર કામરેજ અને પીપોદરા નજીક ચેકિંગ હાથ ધરતા બાર જેટલી આઈવા ટ્રકો રોયલ્ટી પાસ વિનાની ઝડપી પાડી સાત લાખ ઉપરાંતનો દંડ ફટકારી દોઢ કરોડનો મુદ્દામાલ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ચેકિંગ થતા રેતી માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.