(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૯
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઘલુડી પાસે હજીરાથી નવીપારડી જતા રોડ પર ઝાડીમાંથી મહિલાની અર્ઘનગ્ન હાલતમાં મળેલી લાશમાં હત્યા તેના પ્રેમીએ જ કરી હોવાનો ભેદ કામરેજ પોલીસે ઉકેલી કાઢી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના માંડવી તાલુકાના હરિયાલ ખાતે ગીરિશભાઈના કોલા પર વિક્રમભાઈ પોહલ્યાભાઈ વસાવા રહે છે. વિક્રમભાઈ સાથે છુટક મજૂરી કામ કરતી જયાબહેન સાથે પ્રેમસંબધ બંધાતા લગ્ન કર્યા હતા. બે માસથી જયાબહેન કામરેજ તાલુકાના ઘલુડી ગામે કેશવભાઈ નારણભાઈ પટેલના ખેતરની બહાર પડાવ રાખી પુત્ર સાથે રહીને છૂટક મજૂરી કરતા હતા. ગત રવિવારના રોજ જયાબહેનનો અર્ઘનગ્ન હાલતમાં મૃતદેહ હજીરાથી નવીપારડી જતા મુખ્ય રોડની બાજુમાં ઝાડીમાં ઘલુડી ગામની સીમમાંથી મળી આવ્યો હતો. જે અંગે કામરેજ પોલીસે હત્યા અને દુષ્કર્મનો ગુનો નોંધ્યો હતો. દરમિયાન હે.કો કુલદીપદાન તેમજ પો.કો દશરથદાન ગઢવીને માહિતી મળી હતી કે, મરનાર જયાબેનનો વિક્રમ ઉર્ફે ઠુઠા સાથે પ્રેમસંબધ છે. છેલ્લા ઘણા સમયથી જયાબહેન તેમજ વિક્રમ સાથે ફરતા હતા. હત્યાના દિવસે પણ વિક્રમ ઉર્ફે ઠુઠો ઘલુડી ખાતે જોવા મળ્યો હતો. પોલીસને શંકા જતા રંગોલી ચોકડી ખાતે ઈંટના ભઠ્ઠા પર કામ કરતો વિક્રમ ઉર્ફે ઠુઠો મોરિયાભાઈ કાથુળિયાને પોલીસ મથક લાવી પૂછપરછ કરતા પ્રેમીકાની હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ કબૂલ કર્યું હતું. જે અંગે કામરેજના ઈ.ચાર્જ પીઆઈ એમ.બી.તોમરએ પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, હત્યાના દિવસે બંને સાથે દારૂ પી શરીર સંબંધ બાંધ્યા બાદ જયાબેનએ વિક્રમ ઉર્ફે ઠુઠાને ગાળો આપતા ગળે ટૂંપો આપી હત્યા કરીને ગુપ્તાંગ પર લાતો મારી ઈજા કરી નાસી છૂટ્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવતા પોલીસે પ્રેમીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.