(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૩
સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબે પ્રસુતિ બાદ પ્રસુતા પર સર્જિકલ સાધન વડે હુમલો કરી કાન ફાડી નાખતા ભારે હોબાળો થયો હતો. શુક્રવારની સવારે બનેલી આ ઘટના બાદ લોકોએ ભેગા થઈ ૧૦૦ નંબર પર ડાયલ કરી ફરિયાદ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. નોર્મલ પ્રસુતિ બાદ ઓપરેટેડ પાર્ટ પર દુઃખાવો ઉપડતા ગાયનેક તબીબે પ્રસૂતાને ઓપરેશન થિયેટરમાં બોલાવી હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે. હાલ પ્રસૂતા નવજાત બાળક સાથે એચ-૧ વોર્ડમાં દાખલ હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રુચિ નિતેશ તિવારી (પીડિતા) એ જણાવ્યું હતું કે બે મહિના પહેલા જ તેઓ વતન ઉત્તર પ્રદેશથી સુરત સ્થિત ભેસ્તાન આવાસમાં રહેતા પતિ પાસે આવ્યા હતા. ત્યારબાદ તેમની પ્રેગ્નેનસીની તમામ સારવાર સુરત સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં ચાલતી હતી. ૨૧મી ફેબ્રુઆરીના રોજ તેઓ ગાયનેક વોર્ડમાં દાખલ થયા હતા. ૨૨મીએ સવારે લગભગ ૯ વાગ્યાના અરસામાં તેમણે એક બાળકને જન્મ આપ્યો હતો. નોર્મલ પ્રસુતિ બાદ પણ તબીબે ૨ ટાકા લેવા પડ્‌યા હતા. ત્યારબાદ માતા-બાળકને વોર્ડમાં શિફ્‌ટ કરી દેવાયા હતા.
તેણીએ વધુમાં જણાવ્યું હતું કે, વોર્ડમાં આવ્યાના કેટલીક મીનીટો બાદ તેમણે ગુપ્ત ભાગે દુખાવો શરૂ થયો હતો. જે બાબતે તેમણે વોર્ડ ની પરિચારિકાને જાણ કરી હતી. જેની થોડી મિનિટો બાદ વોર્ડના સ્ટાફ દ્વારા તેમને ફરી ઓપરેશન થિયેટરમાં લઈ જવાયા હતા. જ્યાં ગાયનેક તબીબે કશું પણ પૂછ્યા વગર ઉપરા ઉપરી બે લાફા મારી દીધા હતા. ત્યારબાદ ગુસ્સામાં આવી હાથના સર્જિકલ સાધન વડે તેમના પર હુમલો કરતા મોઢું ફેરવી દેતા કાન પર વાર થયો હતો. જેમાં કાન ફાટી જતા ગાયનેક તબીબના હોશ ઉડી ગયા હતા. એક ડોક્ટરના આવા વર્તન બાદ તેમના આંસુ રોકાયા ન હતા. જેને લઈ તેમને તાત્કાલિક વોર્ડમાં લઈ જવાયા હતા. જ્યાં રસ્તે લોકોએ તેમને રડતા જોઇ પૂછ્યું હતું. ડોક્ટરના હુમલાની વાત જાણતા જ લોકો પણ ઉશ્કેરાયા હતા. ૧૦૦ નંબર ડાયલ કરી પોલીસને જાણ કરી હતી. તાત્કાલિક દોડી આવેલી પોલીસે તેમના જવાબ લીધા હતા. જોકે, સવાર પડતા જ પોલીસ કોઈ કાર્યવાહી કરે તે પહેલાં જ હુમલાખોર મહિલા તબીબે માફી માંગી લીધી હતી.