વડોદરા, તા.૮
વડોદરા જિલ્લાનાં લક્ષ્મીપુરા ગામમાં ઇન્દીરાનગરમાં રહેતા અને શાકભાજીનો વ્યવસાય કરતાં રમેશભાઇ ઇશ્વરભાઇ માળીનાં ઘરેથી થોડે દુર તેમના સાઢુ ભાઇ અમરભાઇ ડાહ્યાભાઇ માળી રહે છે. બંને સાઢુ ભાઇઓનાં બાળકો ઘર પાસે રમી રહ્યાં હતા. રમતા રમતા બાળકો વચ્ચે ઝઘડો થયો હતો. જે ઝઘડામાં તેમના પિતા ઉપરાણું લઇને ધસી આવ્યા હતા અને બંને સાઢુ ભાઇઓ વચ્ચે મારક હથિયારો સાથે સામ સામે ઉગ્ર ઝઘડો થયો હતો. જેમાં નશામાં ચુર અમર માળીએ સાઢુ રમેશ માળી પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતાં તેમનો ડાબો કાન કપાઇ ગયો હતો. ઇજાગ્રસ્ત રમેશ માળીને તાત્કાલીક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.