(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૧
૨૦૧૬ના રાજદ્રોહ કેસમાં દિલ્હી પોલીસ દ્વારા આરોપી બતાવાયેલા જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમારે આરોપનામાને રાજકારણ પ્રેરિત ગણાવી તેને ચૂંટણી સીઝનનો સમય ગણાવ્યો હતો. ધ વીકમાં બરખા દત્તને આપેલા ઇન્ટરવ્યૂમાં તેણે પુછ્યું કે, જો તેઓ ખરેખર રાષ્ટ્રવાદી છે તો શા માટે આ કેસને આટલા લાંબા સમય સુધી ફસાવી રાખ્યો છે ? હવે ચૂંટણીને ૯૦ દિવસ બચ્યા છે ત્યારે તેઓ અમારી સામે કાર્યવાહી કરવાનો પ્રયાસ કરે છે. કનૈયાએ કહ્યું કે, અમારી સામેના આરોપો ખોટા છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રવાદનું પ્રમાણપત્ર આપનારી ચોક્કસ ટેવી ચેનલોના એન્કર અમારી સામે ગંદું અભિયાન ચલાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતા તેમણે કહ્યું કે, પહેલા તો આપણે મીડિયા ટ્રાયલને સ્વતંત્ર કરી દીધી, પણ અમને યોગ્ય ન્યાયિક ટ્રાયલ મળશે. અને બીજું કે, આ ટ્રાયલ તેમને ખુલ્લા પાડશે તે માટે ધન્યવાદ.
ન્યાય અને નિર્દોષ છૂટવા અંગે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, આપણા દેશની કોર્ટોમાં મને વિશ્વાસ છે. ભારત વિરોધી સૂત્રો બોલતા વીડિયો પુરાવાના સવાલ અંગે તેમણે કહ્યું કે, મને ખબર છે કે, આવી બાબત દેખાડતો કોઇ યોગ્ય વીડિયો નથી. અમારી સામે પગલાં લેવા માટે જેએનયુ કેમ્પસ પણ વીડિયોના રિપોર્ટનો આશરો લઇ રહ્યું છે અને અમને ફસાવવા માગે છે. તેઓ આનાથી મારી પીએચડી ડિગ્રી પણ રોકવાના પ્રયાસ કરે છે. આમાંથી કશું જ થયું નથી. મેં મારુ કામ પુરૂ કર્યું છે. દિલ્હી સરકાર માટે તપાસ કરી રહેલા દિલ્હીના જિલ્લા કલેક્ટરે સ્પષ્ટ કહ્યું છે કે, સાક્ષીઓ અથવા વીડિયોના આધારે લગાવાયેલા આરોપોના કોઇ પુરાવા નથી. ટીવી એન્કરો દ્વારા તેમને ટુકડે ટુકડે ગેંગ ગણાવવા મુદ્દે તેમણે કહ્યું કે, આ બાબતને હું ફક્ત હાસ્યાસ્પદ ગણાવું છું. જે લોકો મોદી સરકારના ટુકડાઓ પર જીવી રહ્યા છે તેઓ અમને ટુકડે ટુકડે ગેંગ ગણાવે છે.