(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૪
મહેસાણા અને અમદાવાદમાં ઉનાકાંડની વર્ષી ટાણે યોજાયેલા કાર્યક્રમોમાં જેએનયુના કનૈયાકુમાર સાથે પાસના મહિલા આંદોલનકારી રેશમા પટેલ હાજર રહેતા પાસના જ એક સભ્યની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં તેણે એવી ટકોર કરી હતી કે દેશદ્રોહી પ્રવૃત્તિ કરનારા કનૈયાકુમારને રેશમાએ સાથ આપવો જોઈએ નહીં અને રેશમા પટેલ કાર્યક્રમો કરે છે તેની પાટીદાર અનામત આંદોલન સમિતિને (પાસ) ખબર જ હોતી નથી. પ્રાપ્ત વિગતો મુજબ મહેસાણા અને અમદાવાદ દલિતોના કાર્યક્રમમાં દલિત નેતા જીજ્ઞેશ મેવાણી જેએનયુના કનૈયાકુમાર અને પાસના મહિલા આંદોલનકારી રેશમા પટેલે સાથે મળીને કાર્યક્રમ યોજ્યો હતો. આ અંગે ભાજપના જ કોઈ કાર્યકર્તાએ પાસના મહિલા સભ્ય ગીતાબેન પટેલ સાથે ફોન ઉપર વાત કરી હતી. તેની ઓડિયો ક્લિપ ફરતી થઈ છે. જેમાં ફોન કરનારાએ સવાલ કર્યો હતો કે કોઈપણ ભાજપના સભ્ય પકડાય તો પાસ તરફથી ભાજપ સરકારને આડેહાથ લેવામાં આવે છે. જ્યારે દેશદ્રોહી પ્રવૃત્તિ કરનારા કનૈયાકુમાર સાથે સ્ટેજ શેર કરવા બદલ રેશમા પટેલ સામે પાસ તરફથી પગલા ભરાવા જોઈએ કે નહીં તેના જવાબમાં ગીતા પટેલે ઓડિયો ક્લિપમાં જણાવ્યું છે કે હા સાચી વાત છે. દેશદ્રોહી પ્રવૃત્તિ કરનારાને રેશમા પટેલે સાથ આપવો જોઈએ. જો કે રેશમા પટેલ કાર્યક્રમો કરે છે તેની જાણ તો ખુદ પાસને જ હોતી નથી. જો તેની સામે પગલા ભરવાની વાત થાય તો એવું લાગે કે તેઓ આગળ જાય છે એટલે તમને તકલીફ છે. આવી ઓડિયો ક્લિપમાં આક્ષપો કરાયા છે. ત્યારે આ ઓડિયો ક્લિપ અંગે અને પાસના જ સભ્યની આવી કોમેન્ટને પગલે રેશમા પટેલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે કનૈયાકુમાર એ કોઈ દેશદ્રોહી નથી. જો તે દેશદ્રોહી પ્રવૃત્તિ કરતો હોય તો ખુલ્લેઆમ કેમ ફરે છે ? સરકાર તેની સુરક્ષા માટે બંદોબસ્ત કેમ રાખે છે ? જો ખરેખરમાં કનૈયાકુમાર દેશદ્રોહી હોય અને આવી રીતે ખુલ્લેઆમ ફરી શકતો હોય તો ખુદ ભાજપ સરકાર જ કમજોર કહેવાય. જો કે કનૈયાકુમાર હિન્દુસ્તાની નાગરિક છે અને તેની સાથે સ્ટેજ શેર કરવું કંઈ ખોટું નથી. જો કે પાસના જે મહિલા સભ્યએ કનૈયાકુમારને દેશદ્રોહી કહ્યો અને મારી ઉપર જે આક્ષેપો કર્યા છે તેના ઉપરથી એટલું જ કહીશ કે પાસના ગીતાબેન પટેલે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે.