(એજન્સી) તા.૨૭
દલિત લેખક, શિક્ષણવિદ અને કર્મશીલ કાંચા ઈલૈયાના ત્રણ પુસ્તકો દિલ્હી યુનિવર્સિટીમાં અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે રાજકીય વિજ્ઞાનના અભ્યાસક્રમમાંથી હટાવવાની દિલ્હી યુનિવર્સિટીની શૈક્ષણિક બાબતોની સ્થાયી સમિતિના નિર્ણયની અનેક સંગઠનોએ સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે.
સમિતિએ એવો આક્ષેપ કર્યો હતો કે આ પુસ્તકો હિંદુ ધર્મ માટે અપમાનજનક હતા. આખરી નિર્ણય દિલ્હી યુનિવર્સિટીની એકેડેમી કાઉન્સિલ લેશે કે જેની ૧૫ નવે.પહેલા બેઠક યોજાનાર છે. આ નિર્ણયથી વ્યથિત કાંચા ઈલૈયાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં મેં ‘શુદ્રો ક્યા છે ?’ એવો એક નિબંધ લખ્યો હતો. જેમાં મેં એવું પુરવાર કર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે દાવો કરે છે એ મુજબ શુદ્ર કે ઓબીસી નથી.
૨૦૧૪ની ચૂંટણી પૂર્વે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને એવું જણાવ્યું હતું કે, તેઓ ઓબીસી છે અને પરિણામે અસંખ્ય ઓબીસી લોકોએ તેમને મત આપ્યા હતા. વાસ્તવમાં તેઓ ઓબીસી નથી. મોદી શુદ્ર-ઓબીસીનું નહીં પરંતુ વણિક સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. ગુજરાત, યુપી અને બિહારમાં વણિક સમુદાયના કેટલાય લોકો ઓબીસી પ્રમાણપત્ર મેળવી શક્યા છે. ઉ.ભારતનો શુદ્ર સમુદાય ખાસ કરીને પટેલ, જાટ, ગુજ્જર, મરાઠા અનામતની માગણી કરી રહ્યા છે અને તેઓ વિશાળ ઓબીસી સમુદાયનો ભાગ બનવા માંગે છે પરંતુ મોદી સરકાર તેમને દબાવી રહી છે અને અનામતનો લાભ આપતી નથી. નરેન્દ્ર મોદી, અમિત શાહની જોડી વણિક ઉદ્યોગપતિઓના સંપૂર્ણ સમર્થન સાથે દિલ્હી પર શાસન કરી રહી છે. સમગ્ર શુદ્રોએ સંગઠિત થવાની અને દિલ્હી પર વણિક બ્રાહ્મણ વિરાસતને ઉથલાવી નાખવાની જરૂર છે. આ નિબંધથી મોદીનું વર્તુળ રોષે ભરાયું છે અને હવે તેઓ મારા પુસ્તક પાછળ પડી ગયા છે.