ભૂજ,તા.૩૦
કંડલા ખાતે દીનદયાળ પોર્ટમાં આવેલ આઈ.એમ.સી. ટર્મિનલ સ્થિત પેટ્રોલ સ્ટોરેજ ટેન્કમાં આજે બપોરે ૨.૩૦ વાગ્યે અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ગંભીર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં એક કામદારનો મૃતદેહ મળ્યો છે જ્યારે હજી ત્રણ કામદારોનો પત્તો મળ્યો નથી, જે પણ દાઝી ગયા હોવાની આશંકા છે. બનાવની વિગત એવી છે કે, દીનદયાળ પોર્ટમાં આઈ.એમ.સી. ટર્મિનલ આવેલું છે જ્યાં જવલનશીલ કેમિકલ અને પેટ્રોલ-ડીઝલ જેવા પ્રવાહીનો જથ્થો સ્ટોરેજ કરવામાં આવે છે. બપોરે પોર્ટ ઉપર રાબેતા મુજબ કામ ચાલુ હતું ત્યારે આ સ્ટોરેજ ટેન્કમાં અચાનક આગ ફાટી નીકળતા પોર્ટ સત્તાવાળાઓએ તાત્કાલિક આગલ બુઝાવવા ઓપરેશન હાથ ધર્યું હતું. કંડલા પોર્ટ, ગાંંધીધામ નગરપાલિકા, ઈફકોના ફાયર ફાઈટરોએ આગ બુઝાવવા કામગીરી કરતા ત્રણ કલાકે આગ બુઝાઈ હતી પરંતુ આ દરમ્યાન આગમાં ચારેક કામદારો જીવતા ભૂંજાયા હોવાની શંકા છે. એક મૃતદેહને હજી ઓળખી શકાયો નથી. જ્યારે હજુ પણ બે કામદારો લાપતા છે જેનો કોઈ પત્તો મળ્યો નથી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આગના કારણે જેટી ઉપરથી અને અન્ય ઘટના સ્થળની આસપાસ વિસ્તારમાંથી અન્ય કામદારોને તાત્કાલિક અન્ય સુરક્ષિત સ્થળે ખસેડી લેવાયા હતું. દીનદયાળ પોર્ટ આયાત-નિકાસના પરિવહનથી સતત ધમધમતું રહે છે ત્યારે અવાર-નવાર આ પ્રકારની ઘટનાઓ મોટી જાનહાનિ સર્જતી હોય છે.