(એજન્સી) તા.૨૫
ફાયરબ્રાન્ડ વિદ્યાર્થી નેતા કન્હૈયાકુમાર સીપીઆઈ તરફે બેગુસરાયમાંથી લોકસભા માટે ઉમેદવાર જાહેર થઈ ચૂકયા છે. એ ભાજપના ગિરિરાજસિંઘ અને આરજેડીના તનવીર હસનનો મુકાબલો કરશે. છેલ્લા એક વર્ષથી કુમાર બેગુસરાયમાં પ્રચાર કરી રહ્યો છે. એમણે ઉમેદવાર જાહેર થયા પછી કહ્યું કે, હું ગિરિરાજસિંઘ અને એમના કટ્ટરવાદી વિચારો સામે લડી રહ્યો છુું. અહીં ધાર્મિક બાબતને વધુ મહત્ત્વ નથી. ગિરિરાજસિંઘ પોતાની વિવાદિત ટિપ્પણીઓ કરવા માટે જાણીતા છે અને લઘુમતીઓને ખાસ લક્ષ્ય બનાવે છે. એ ભાજપમાં કેન્દ્રીય મંત્રી પણ છે. આરજેડીના નેતાએ કહ્યું કે, ભાજપના ઉમેદવાર સામે કન્હૈયાની જીતની શક્યતા ઓછી છે. એ ભૂમિહાર જાતિ ઉપર આધાર રાખે છે, પણ એમના મતો પણ ગિરિરાજ પાસે જવાના છે. કુમાર પહેલીવખત ચૂંટણી લડી રહ્યો છે, જેથી એમને મુશ્કેલીઓ આવી શકે છે. આ બેઠક પર આરજેડી બીજાક્રમે રહેલ છે. જો કોંગ્રેસ અને આરજેડી પોતાનો ઉમેદવાર પાછો ખેંચે તો કન્હૈયાકુમારની જીતની તકો વધી જાય. કન્હૈયાકુમારે હાલમાં તો જેએનયુમાંથી પીએચડીની ડિગ્રી મેળવી છે. એ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ઉપરાંત સ્પષ્ટ વક્તા પણ છે અને એક હોનહાર નેતા તરીકે ઉભરી આવશે. બીજી બાજુ તનવીર હસન ર૦૧૪માં ચૂંટણી હારી ગયા હતા. એમણે કન્હૈયાકુમારને સમર્થન આપવા ઉમેદવારી પાછી ખેંચવી જોઈએ. આરજેડી અને કોંગ્રેસને અપીલ કરવામાં આવી રહી છે કે, એ કન્હૈયાને સમર્થન કરવા હસનની ઉમેદવારી પાછી ખેંચે.