(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૩
દિલ્હી સરકારના સરકારી વકીલ જેએનયુ વિદ્યાર્થી સંગઠનના ભૂતપૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર સામે દેશદ્રોહનો આરોપ મુકવાની વિરૂદ્ધમાં છે. સરકારી વકીલે જણાવ્યું કે ચાર્જશીટમાં ગરબડ છે. દિલ્હી સરકારના ગૃહ વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે દિલ્હી સરકારે પોતાના સરકારી વકીલ રાહુલ મેહરા પાસે અભિપ્રાય માગ્યો હતો કે શું કન્હૈયા કુમાર અને તેમના સહયોગીઓ દ્વારા જેએનયુ કેમ્પસમાં આપવામાં આવેલા ભાષણ દેશદ્રોહની શ્રેણીમાં આવે છે ? એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જવાબમાં સરકારી વકીલ રાહુલ મેહરાએ કહ્યું છે કે તેમણે અસલ ફરિયાદ વાંચી છે. આ ફરિયાદ જેએનયુની ઉચ્ચ સ્તરીય સમિતિએ ૨૦૧૬ની ૯મી ફેબ્રુઆરીએ ઘટના વિશે નોંધાવી હતી પરંતુ પોલીસે દાખલ કરેલી ચાર્જશીટમાં કેટલીક ગરબડો છે. સરકારી વકીલે પોતાના જવાબમાં કહ્યું છે કે સરકારની નીતિઓનો વિરોધ કરવાની બાબતને દેશદ્રોહ કહી શકાય નહીં. આ સાથે જ જો વિરોધી અવાજ દબાવી દેવામાં આવે તો લાંબા સમયે આ લોકતંત્ર માટે ખતરનાક પુરવાર થઇ શકે છે. મેહરા મુજબ પોલીસે આ મામલામાં પૂર્વ મંજૂરી મેળવ્યા વગર ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસ તરફથી એવું લાગે છે કે પોલીસ આ કેસ અંગે ચાલી રહેલી ચર્ચાઓથી લાભ ખાટવાની કોશિશ કરી રહી છે. સરકારી વકીલ મુજબ આરોપીઓ સામે ખોટી કલમો લગાડવામાં આવી છે અને તેનાથી આરોપીઓના જીવન પર ખરાબ રીતે અસર થઇ શકે છે. આ આરોપીઓ હાલમાં વિદ્યાર્થી છે. આ લાગણીઓમાં તણાઇને થયું અને કોઇ પણ પ્રકારની હિંસા ભડકાવવાનો કે જાહેર અવગણના કરવાનો આરોપીઓનો કોઇ ઇરાદો ન હતો.