અમદાવાદ, તા.ર૮
કાંકરિયા પ્રાણીસંગ્રહાલય દ્વારા તા.૧/૧૦/૧૭થી તા.૭/૧૦/૧૭ દરમિયાન વન્ય પ્રાણી સપ્તાહ ઉજવવામાં આવનાર છે. આ સમય પ્રાણી સંગ્રહાલય ખાતે સવારે ૯.૦૦થી બપોરે ૧ર.૦૦ વાગ્યા સુધી૧ર વર્ષ સુધીના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. દર સોમવારના રોજ મુલાકાતીઓ માટે પ્રાણીસંગ્રહાલય બંધ રહે છે. આવનાર મુલાકાતીઓને તથા શૈક્ષણિક બાળકોને વન્ય જીવો પ્રત્યે વધુ જ્ઞાન મળી રહે તે હેતુથી ઉપરોક્ત સમયે વન્ય પ્રાણી સપ્તાહ દરમિયાન પ્રાણી સંગ્રહાલયમાં વન્ય પ્રાણી શિક્ષણના ભાગરૂપે ટચ ટેબલ શો, ઝૂ વિશેની માહિતી અને ફ્રેન્ડસ ઓફ ઝૂ યોજનાની પણ જાણકારી આપવામાં આવશે તથા તારીખ પમી ઓક્ટોબરથી તારીખ ૭મી ઓક્ટોબર ૧૭ દરમિયાન અનુક્રમે ધોરણ ૬, ધોરણ ૭ તથા ધોરણ ૮માં અભ્યાસ કરતા બાળકોની ચિત્ર સ્પર્ધા યોજવામાં આવનાર છે. જેમાં દરરોજ ર૦૦ બાળકોને વહેલા તે પહેલાના ધોરણે ઝૂ ઓફિસમાં તા.૧થી ૪ ઓક્ટોબર ૧૭ દરમિયાન સવારે ૯થી સાંજે પ.૩૦ વાગ્યા સુધીમાં નામ નોંધાવનાર બાળકોને જ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેવા દેવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને રર ઈંચ ૧પ ઈંચ સાઈઝની ડ્રોઈંગ સીટ અત્રેથી આપવામાં આવશે જેમાં બાળકોએ જમણા ખૂણા ઉપર પોતાનું નામ, શાળાનું નામ, ધોરણ તથા મોબાઈલ નંબર લખવાનો રહેશે. બાળકોએ સ્પર્ધામાં પેન્સિલ, વોટર કલર/ક્રેયોન કલર, પીંછી, ડ્રોઈંગ બોર્ડ, આઈ કાર્ડ તથા ડ્રોઈંગને લગતી જરૂરી વસ્તુઓ લઈને આવવાનું રહેશે. ચિત્ર સ્પર્ધાનો સમય સવારે ૧૦થી ૧૧ કલાકનો રહેશે તથા ચિત્ર સ્પર્ધાનો વિષય ધોરણ ૬ના બાળકો માટે વાઈલ્ડ લાઈફ, ધો.૭ના બાળકો માટે નેચર (કુદરતી સૌંદર્ય) તથા ધોરણ ૮ના બાળકો માટે સ્વચ્છ ભારત અભિયાન રહેશે તથા ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ૧થી ૪ નંબરના બાળકોને ઈનામરૂપે ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવશે.