(સંવાદાતા દ્વારા) તા.૨૨
કાંકરિયામાં ડિસ્કવરી રાઈડ તૂટી પડવાના ચર્ચાસ્પદ મામલે અગાઉ હાઇકોર્ટમાં પિટિશન થયા બાદ આ મામલામાં ધરપકડ કરાયેલા રાઈડનાં સંચાલકોએ હાઇકોર્ટમાં જામીન અરજી કરતા હાઇકોર્ટે સુનવણી બાદ રાજ્ય સરકારને નોટિસ પાઠવી ખૂલાસો માંગ્યો છે.
કાંકરિયા એડવેન્ચર પાર્કમાં ડિસ્કવરી રાઈડ તૂટી પડવાનાં કેસમાં ગુનો નોંધાયા બાદ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓએ અગાઉ સેશન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી. તમામ ૬ આરોપીઓનાં જામીન સેશન્સ કોર્ટે ફગાવી દીધાં હતાં. આ આરોપીઓમાં રાઈડનાં મલિક અને સંચાલક ઘનશ્યામ પટેલ અને તુષાર ચોકસીનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ ઘનશ્યામ પટેલ અને તુષાર ચોકસી એ જામીન મેળવવા હાઇકોર્ટમાં અરજી કરી છે. હાઇકોર્ટે આ અરજીનાં સંદર્ભે રાજ્ય સરકારને નોટિસ પઠવી ખુલાસો માંગ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ૧૪ જુલાઈ એ કાંકરિયા એડવેન્ચર પાર્કમાં ડિસ્કવરી રાઈડ તૂટી પડવાને કારણે ૨ લોકોનાં મોત થયા હતા અને ૨૯ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સંચાલક, મેનેજર, ૨ ઓપરેટર અને હેલ્પર વિરુદ્ધ આઈપીસીની કલમ ૩૦૪ અને ૧૧૪ મુજબ મણિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. તમામ લોકોની પોલીસે ધરપકડ પણ કરી છે. પોલીસે ઘનશ્યામ પટેલ, ભાવેશ પટેલ, તુષાર ચોકસી, યશ ઉર્ફે મહેન્દ્રભાઈ પટેલ, કિશન મહંતી અને મનીષ વાઘેલાની સામે ફરિયાદ દાખલ કરી છે. કાંકરિયાના આસિસ્ટન્ટ મેનેજર ચિરાગ પટેલ ફરિયાદી બન્યા છે. પોલીસને આરોપીના રિમાન્ડ દરમિયાન જાણવા મળ્યા મુજબ, રાઇડના મેઇન્ટેનન્સ સર્ટિફિકેટમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે સહી કરનાર યશ પટેલ પાસે ડિપ્લામાના માત્ર ૨ સેમેસ્ટરની માર્કશીટ મળી આવી હતી. તેમાં પણ બીજા સેમિસ્ટરમાં ફેલ છે. પોલીસે રાઇડને કોઇ લાયસન્સ આપ્યું નથી. પોલીસે કુલ ૨૪ રાઈડનું જ લાયસન્સ આપ્યું હતું. જ્યારે ૨૫મી રાઈડ સંચાલકોએ જાતે ઉમેરી દીધી હતી. તપાસ કરનાર પોલીસ અધિકારી ના જણાવ્યા અનુસાર યશ પટેલ જ તમામ રાઈડની ચકાસણી કરી અને રિપોર્ટ પર સહી કરતો હતો. કાંકરીયામાં રાઇડ તૂટવાના મામલે બેદરકારી બદલ રાઇડના માલિક અને સંચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. છેલ્લા ૪ વર્ષથી કાંકરીયામાં આ રાઈડ ચલાવવામાં આવી રહી હતી. સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પાર્ક લિમિટેડને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. અગાઉ સેશન્સ કોર્ટે તમામ નાં જામીન ફગાવ્યા હતા.