અમદાવાદ, તા.૨૨
અમદાવાદ શહેરને આ વર્ષે જુન માસમાં પોલેન્ડ ખાતે યોજાયેલી યુનેસ્કોની હેરીટેજ કમિટીની બેઠકમાં વૈશ્વિક કક્ષાના હેરીટેજસીટીનો દરજજો આપવામાં આવ્યા બાદ સૌ પ્રથમ વખત શહેરના કાંકરીયા ખાતે યોજાઈ રહેલા કાર્નિવલને હેરીટેજ થીમ સાથે આવરી લેવાનું ભવ્ય આયોજન મ્યુનિસિપલ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે આ સાથે જ કાંકરીયા કાર્નિવલમાં પ્રવેશવાની એન્ટ્રી ઉપર અમદાવાદ શહેરના મુખ્ય દરવાજાની ઝાંખી પણ પ્રદર્શિત કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં સતત ૧૦મા વર્ષે યોજાવા જઈ રહેલા કાર્નિવલના કેટલાક કાર્યક્રમો આ વર્ષે શહેરના ભદ્ર પ્લાઝા અને રીવરફ્રન્ટ ખાતે પણ આયોજિત કરવામાં આવનાર છે. આ અંગે મળતી પ્રમાણે, અમદાવાદ શહેરના કાંકરીયા ખાતે છેલ્લા નવથી પણ વધુ વર્ષથી દર વર્ષે ૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી કાર્નિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે.પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ કાંકરીયા ખાતે આગામી સોમવાર અને ૨૫ ડિસેમ્બરથી કાર્નિવલનો ભવ્યાતિભવ્ય આરંભ કરવામાં આવનાર છે.આ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેને લગતી તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે.આ વર્ષે જુન માસમાં પોલેન્ડના કારકો શહેર ખાતે મળેલી યુનેસ્કોની હેરીટેજ કમિટીની બેઠકમાં અમદાવાદ શહેરને વૈશ્વિક કક્ષાના હેરીટેજ શહેર તરીકે જાહેર કરવામાં આવેલું હોઈ આ વખતે કાંકરીયા ખાતે યોજાનારા કાર્નિવલનું એ દ્રષ્ટિએ પણ મહત્વ ઘણું વધી જાય છે. આ પરિસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરીયા કાર્નિવલમાં પ્રવેશવાની મુખ્ય તમામ એન્ટ્રીઓ ઉપર અમદાવાદ શહેરમાં એક સમયે પ્રવેશવાના જે મુખ્ય ૧૬ દરવાજા હતા તેની આબેહુબ પ્રતિકૃતિ પણ ઉભી કરી તેની ઓળખ મુલાકાતીઓને આપવાનો પ્રયાસ કરવામાં આવનાર છે. આ સાથે જ અમે અમદાવાદી એ શિર્ષક ઉપર તૈયાર કરવામાં આવેલું ૭૦ મિનીટનું પ્રેઝન્ટેશન એ આ કાર્નિવલની મુલાકાત લેનારા તમામ મુલાકાતીઓને માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે કેમકે આ પ્રેઝન્ટેશનમાં ઓડિયો અને વીડિયો એમ બંને પ્રકારની અમદાવાદ શહેરને લગતી તમામ માહિતીઓ આપવામાં આવી છે. આ પ્રેઝન્ટેશનમાં કુલ મળીને ૧૨૫ જેટલા કલાકારો દ્વારા તેમનું પર્ફોર્મન્સ આપવામાં આવ્યું છે.આ ઉપરાંત ૨૯ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધીના સમયગાળામાં કાંકરીયા નગીનાવાડી અને ફૂટબોલ ગ્રાઉન્ડ એમ બે સ્થળોએ એરો મોડેલિંગની પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા માટે ખાસ શો લોકો સમક્ષ કરવામાં આવનાર છે જેમાં હેલીકોપ્ટર,ગ્લાઈડર,પાવર એરોપ્લેન,વગેરેની મદદથી હેરતઅંગેઝ પ્રદર્શન પણ કરવામાં આવનાર છે. શહેરમાં આ વર્ષે સૌ પ્રથમ વખત ભદ્રપ્લાઝા અને રીવરફ્રંટ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં ગીત,ગઝલ અને સુફી સંગીત જેવા કાર્યક્રમોનો પણ સમાવેશ થાય છે.
કાર્નિવલમાં ૧૦૦ મહિલા પોલીસ જીન્સ ટી-શર્ટમાં ફરજ બજાવશે
અમદાવાદ, તા.૨૨
આગામી સોમવાર ૨૫મી ડિસેમ્બરથી શરૂ થનારા સાત દિવસના કાર્નિવલને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવવાની યોજનાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ યોજનામાં ૧૦૦ જેટલા મહિલા પોલીસ કર્મીઓ જિન્સ અને ટી-શર્ટમાં ફરજ બજાવશે આ સાથે જ ૧૦૦ જેટલા સીસીટીવી કેમેરા સ્ટ્રેટેજીક લોકેશન ઉપર મુકવામા આવશે આ ઉપરાંત એન્ટી પીક પોકેટીંગ સ્કવોર્ડ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા સઘન સુરક્ષા બંદોબસ્તના ભાગરૂપે અત્યારથી જ તેને લગતી તમામ તડામાર તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ વર્ષે સુરક્ષાને લઈને કરવામા આવેલા નિર્ણયોમાં ૧૦૦ જેટલા મહિલા પોલીસ કર્મચારીઓ તેમના ડ્રેસને બદલે જિન્સ અને ટી-શર્ટમાં ફરજ બજાવશે જેથી રોમીયોગીરી કરનારાઓને સરળતાથી પકડી લઈ શકાય.આ ઉપરાંત ૧૦ જેટલી એન્ટિ રોમીયો સ્કવોર્ડ પણ કાર્યરત કરવામાં આવનાર છે. બીજી તરફ જુદા જુદા વિસ્તારોમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીઓની મદદ માટે છ જેટલા વોચ ટાવર પણ ઉભા કરવામાં આવનાર છે.આ વર્ષે બંદોબસ્ત માટે જે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે એમાં ૫૦ વર્ષથી ઉપરની વય ધરાવતા પોલીસ કર્મચારીઓને ફરજ ઉપર ન મુકવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. કાંકરીયા કાર્નિવલમાં દર વર્ષે લાખ્ખોની સંખ્યામાં મુલાકાતીઓ મુલાકાત લેતા હોય છે. આ પરિસ્થિતિમાં પોકેટમારો વધુ સક્રીય બની ભીડનો લાભ ઉઠાવતા હોય છે આવા પોકેટમારોને પકડી લેવા માટે આ વર્ષે ૧૦ જેટલી એન્ટિ પીક પોકેટીંગ સ્કવોર્ડ પણ કાર્યરત કરવામાં આવનાર છે.પોલીસ સૂત્રો તરફથી મળેલી માહિતી અનુસાર,એક એડીશનલ સીપીથી લઈને ૨૦૦૦ થી વધુ પોલીસ કર્મચારીઓ, ક્રાઈમબ્રાંચ, એસ.ઓ.જી. ટીમની સાથે બોંબ ડીસ્પોઝલ સ્કવોર્ડ પણ આ વર્ષે બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવનાર છે.
કાર્નિવલ બંદોબસ્ત…..
૧- એડીશનલ સી.પી.
૩-ડીસીપી રેન્કના ઓફિસર
૭-એસીપી રેન્કના ઓફિસર
૩૩-પોલીસ ઈન્સપેકટર
૭૩-પોલીસ સબ ઈન્સપેકટર
૨૦૦૦-પોલીસ કર્મચારીઓ
૫૦-એસ.આર.પી.ટીમ
૨૬૫-હોમગાર્ડ જવાનો
૪-બોંબ ડીસ્પોઝલ સ્કવોર્ડ
૧૦-એન્ટી પીક પોકેટીંગ સ્કોવોર્ડ
ક્રાઈમબ્રાંચ, એસ.ઓ.જીની ટીમોને જવાબદારી.
કાર્નિવલના મુખ્ય આકર્ષણ…
હેરીટેજ થીમ ઉજવણી કરવામાં આવશે
આ વર્ષે કાંકરીયા ઉપરાંત ભદ્ર પરિસર તેમજ સાબરમતી રીવરફ્રન્ટ ખાતે પણ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું
ભદ્ર પ્લાઝા ખાતે અમદાવાદ શહેર પરના ગીતોનો કાર્યક્રમ પાર્થ ઓઝા,સંજય ઓઝા દ્વારા તેમજ કુતલેખાન દ્વારા સૂફી સંગીતનો કાર્યક્રમ રજુ કરવામાં આવશે
રીવરફ્રન્ટ ખાતે પંકજ ઉધાસ તથા મનહર ઉધાસ દ્વારા શામ-એ ગઝલ કાર્યક્રમ,કબીર કાફે દ્વારા ફયુઝન રોક બેન્ડ તથા જીગરદાન ગઢવી દ્વારા રોકબેન્ડ પર્ફોમન્સનો કાર્યક્રમ જુદા-જુદા દિવસોએ યોજાશે
કાંકરીયા લેકફ્રંટ પરિસરમાં અમદાવાદ શહેરના વિવિધ દરવાજાની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બનશે
નોકટરનલ એનિમલ હાઉસનો આરંભ કરાશે.આ ઝૂમાં પથ્થર અને માટીની ગુફા બનાવીને રાત્રે જોઈ શકતા પ્રાણીઓ માટે પ્રાકૃતિક વાતાવરણ ઉભુ કરાયુ છે
કાર્નિવલના દરેક વર્ષની ઝાંખી દર્શાવતા કાર્નિવલ મુવીનુ અનાવરણ કરાશે
હેરીટેજ મોબાઈલ એપનું લોકાર્પણ કરાશે
આ ઉપરાંત યોગા,એરોબિકસ,ઝુમ્બાનો લાભ લઈ શકાશે