અમદાવાદ, તા. ૧૪
અમદાવાદ શહેરના કાંકરિયા વિસ્તારમાં જલધારા વોટર પાર્કને બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અપાયેલી ૧૩ હજારવારની જગ્યા પરત લેવા માટે માંગણી કરવામાં આવી છે. આ અંગેની વિગતો એવી છે કે, ૧૫ વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ જગ્યા સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઈવેટ લિમિટેડને આપવામાં આવી હતી જેની કિંમત આજની તારીખમાં ૫૦૦ કરોડથી પણ વધુ થાય છે આ જગ્યા વધુ એક વખત ૨૦ વર્ષ માટે આપવાની વિવાદિત દરખાસ્ત ૧૮ ઓગસ્ટના રોજ સ્ટેન્ડિંગ કમિટિમાં રજૂ કરવામાં આવી હતી પરંતુ વિપક્ષના ઉગ્ર વિરોધ વચ્ચે તેમજ આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં રિટપીટિશન દાખલ કરવામાં આવતા સત્તાધારી પક્ષ દ્વારા ચુપકીદીથી ત્રણ મહિના માટેની મુદ્દત વધારવામાં આવી હતી. આ મુદ્દત ૧૭મી નવેમ્બરના રોજ પુરી થઇ રહી છે. હાલ રાજ્ય વિધાનસભાની ચૂંટણી સંદર્ભમાં આચારસંહિતા અમલમાં છે. બીજી તરફ આ મામલે પૂર્વ વિપક્ષ નેતા બદરુદ્દીન શેખ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ પરિસ્થિતિમાં કાંકરિયા જેવા વિસ્તારમાં કરોડો રૂપિયાની આ જમીનનો તાકિદની અસરથી કબજો લેવા માટે વિપક્ષ દ્વારા માંગણી કરવામાં આવી છે. એમ્યુઝમેન્ટ પાર્કના સંચાલકે સત્તાધારી પક્ષના કોર્પોરેટરના સંબંધી હોવાના ન્યાયે શાસક પક્ષ તરફથી જે કુણુ વલણ અપનાવવામાં આવી રહ્યું છે તેનો વિપક્ષ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. એમ્યુઝમેન્ટ પાર્કના સંચાલક દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને તેને થતી આવક સામે સાવ સામાન્ય એવી રકમ આપી મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરીને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે.