(એજન્સી)
નવી દિલ્હી, તા. ૧૭
શાહીનબાગમાં સીએએ અને એનઆરસીના વિરોધ મુદ્દે અમિત શાહના દાવાની પૂર્વ આઇએએસ અધિકારી ગોપીનાથે પોલ ખોલીને મુકી દીધી છે. પૂર્વ આઇએએસ કન્નન ગોપીનાથે કહ્યું છે કે, ત્રણ દિવસ પહેલા સીએએ અને એનઆરસીના મુદ્દે મેં અમિત શાહ પાસે એપોઇન્ટમેન્ટ માગી હતી પરંતુ ત્રણ દિવસ બાદ પણ તેમને મળવા માટે એપોઇન્ટમેન્ટ અપાઇ ન હતી. ગોપીનાથ કન્નને કહ્યું કે, સીએએ, એનઆરસી અને એનપીઆર મુદ્દે ચર્ચા કરવા માટે મેં તેમની પાસે મળવાનો સમય માગ્યો હતો. ગૃહમંત્રીએ એક રાષ્ટ્રીય સમાચાર ચેનલ પર વાયદો કર્યો હતો કે, જે તેમની સાથે આ મુદ્દાઓ પર ચર્ચા કરવા માગતા હોય તેઓ મારી પાસે મળવાનો સમય લઇ શકે છે અને હું તેમને ત્રણ દિવસમાં મળવાનો સમય આપીશ. મળવા માટે સમય માગ્યો અને ત્રણ દિવસ બાદ પણ તેમની તરફથી કોઇ પ્રત્યુત્તર મળ્યો ન હતો. તેમણે ટિ્‌વટમાં લખ્યું કે, અમિત શાહના શબ્દો પર વિશ્વાસ કરવા જેવો નથી. તેઓ એક જવાબદાર પદ પર બેઠા હોવા છતાં નેશનલ ટીવી પર બેજવાબદારીભર્યું નિવેદન આપે છે. હું આ અંગે હવે કોઇ વિનંતી કરીશ નહીં પણ અમને લોકશાહીમાં આનાથી એક પાઠ શીખવા મળ્યો છે.