(એજન્સી) મુંબઈ, તા.૧૮
કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં દિવંગત અભિનેત્રી શ્રીદેવીને હિન્દી સિનેમાજગતમાં બેસ્ટ અભિનય માટે યાદ કરવામાં આવ્યા અને તેમને મરણોત્તર વિશેષ સન્માન ‘ટાઈટન રેગિનાલ્ડ એફ લુઈસ ફિલ્મ આઈકન’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા પરંતુ દિવંગત શ્રીદેવી તરફથી આ એવોર્ડ સ્વીકારવા માટે તેમના પતિ બોની કપૂર કે દીકરીઓ જહાન્વી અને ખુશી કોઈક કારણસર ઉપસ્થિત રહી શકયા ન હતા. કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ દ્વારા શ્રીદેવીના મરણોત્તર પુરસ્કાર પરિવારને બદલે દિગ્દર્શક સુભાષ ઘાઈએ સ્વીકાર્યો હતો. વર્ષ ૧૯૮૬માં દિગ્દર્શિત ફિલ્મ કર્મામાં સાથે કામ કરનાર સુભાષ ઘાઈએ કાન્સ એવોર્ડ તરફથી દિવંગત શ્રીદેવીનો એવોર્ડ સ્વીકાર કરતી તસ્વીરો ટ્‌વીટર પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું કે મહાન દિવંગત શ્રીદેવી દ્વારા ભારતીય સિનેમામાં આપેલ યોગદાન માટે કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ તરફથી શ્રીદેવીને આપવામાં આવેલ એવોર્ડ સ્વીકાર કરવો તેમના માટે સન્માનની વાત હતી. ઘાઈએ પોતાનો અનુભવ વેસ્ટર્ન ઓડિયન્સ સાથે વહેંચ્યો હતો.