જકાર્તા,તા.૨૯
અહીં રમાતી ૧૮મી એશિયન ગેમ્સમાં આજે ૧૧મા દિવસે ભારતને એક વધુ મેડલ જીત્યો છે. ટેબલ ટેનિસની રમતમાં મિક્સ્ડ ડબલ્સની હરીફાઈમાં શરત કમલ અને મનિકા બત્રાએ ભારતને કાંસ્ય ચંદ્રક અપાવ્યો છે.
શરત કમલ અને મનિકા બત્રાની જોડીએ સેમી ફાઈનલમાં ચીનના વાંગીન ચુકીન અને સુન યિન્ગશાની જોડીનો જોરદાર સામનો કર્યો હતો, પરંતુ આખરે ૯-૧૧, ૫-૧૧, ૧૩-૧૧, ૪-૧૧, ૮-૧૧ સ્કોરથી એમનો પરાજય થયો હતો.
વર્તમાન ગેમ્સમાં ભારતે જીતેલો આ ૫૧મો મેડલ છે. જ્યારે એશિયન ગેમ્સના ઈતિહાસમાં, ટેબલ ટેનિસની આ હરીફાઈમાં ભારતનો આ પહેલો જ મેડલ છે. ભારતના આ ૫૧ મેડલ્સમાં ૯ સુવર્ણ, ૧૯ રજત અને ૨૩ કાંસ્ય ચંદ્રક છે.
એ પહેલાં, કમલ-બત્રાએ ક્વાર્ટર ફાઈનલમાં ઉત્તર કોરિયાનાં હરીફો પર ૩-૨થી વિજય મેળવ્યો હતો.
ભારતીય જોડીએ ઉત્તર કોરિયન જોડીને ૪-૧૧, ૧૨-૧૦, ૬-૧૧, ૧૧-૬, ૧૧-૮થી પરાજય આપ્યો હતો. આ મેચ ૩૮ મિનિટ સુધી ચાલી હતી.