ધોરાજી, તા. ર૪
ગુજરાતમાં દલિતોની થઈ રહેલ ઘાતકી હત્યાઓ સભ્ય સમાજ અને સરકાર માટે કલંકિત ઘટનાઓ કહી શકાય. રાજ્યમાં છાશવારે દલિતોની હત્યાઓ થઈ રહી છે અને રાજ્યમાં દલિત સમાજ ભયના ઓથાર હેઠળ જીવન જીવી રહ્યો છે. રાજ્ય સરકારની પ્રથમ ફરજ બને છે કે ચે દલિતોને પુરતા પ્રમાણમાં રક્ષણ પૂરૂ પાડવામાં આવે અને કડકમાં કડક તકેદારીના પગલાં લેવામાં આવે અને સલામતનો માહોલ સર્જાય તેવું વાતાવરણ ઊભું કરવું જોઈએ. છેલ્લા અઢી ત્રણ માસમાં રાજ્યમાં દલિતોની હત્યાઓ અને દલિતો ઉપર હુમલાના બનાવો વધારે પ્રમાણમાં પ્રકાશમાં આવ્યા છે. જે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિન ચાડી ખાય છે. દલિત સમાજ સ્વમાનભેર જીવન જીવી શકે તેવો માહોલ સર્જવામાં રાજ્ય સરકારની ગંભીર ચૂક રહી ગયેલ છે. જે નિંદનીય અને વખોડવા પાત્ર છે.દલિત યુવાનો લગ્નપ્રસંગે સાફો બાંધે, ઘોડા પર બેસે, નામની આગળ સિંહ શબ્દનો ઉપયોગ કરે તો તેની ઉપર હુમલાઓ થાય. શું દલિતોને સ્વતંત્ર જીવન જીવવાનો અધિકાર નથી ? છાશવારે દલિતોની હત્યાઓ થાય છે. તાજેતરનો જ શાપર-વેરાવળનો બનાવ ઢોર મારમારીને દલિતો યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવેલ છે. તેવા જ બનાવોમાં કોટડાસાંગાણીના માણેકવાડાના દલિત યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી, ભાવનગરના ઉમરાળાના ટીંબી ગામના દલિત યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી. વેરાવળના આંબલીયાળાના યુવાન દલિતને જીવતો સળગાવીને હત્યા કરવામાં આવી. આવા બનાવોને લીધે રાજ્ય સરકાર અને સભ્ય સમાજ માટે કલંકિત ઘટના કહી શકાય અને આ બનાવો વખોડવા પાત્ર છે એમ દલિતો વિકાસ મોરચા ધોરાજી શહેર તાલુકા મુખ્ય કાન્તિલાલ કે. સોંદરવા એ અખબારી યાદીમાં જણાવ્યું છે.