સુરત, તા.ર૧
શહેરમાં આરોગ્ય અને શિક્ષણક્ષેત્રે જાણીતું સવાણી પરિવાર તથા મોવલિયા પરિવાર માતા-પિતા અથવા પિતાની છત્રછાયા ગુમાવનાર ૨૬૧ દિકરીઓનું કન્યાદાન કરી સાસરે વળાવશે. ૨૬૧ દિકરીઓમાં ૬ મુસ્લિમ, ત્રણ ખ્રિસ્તી દીકરીઓનો સમાવેશ થાય છે. કોઇપણ નાત-જાતના ભેદભાવ વગર એક જ સ્થળે તમામ દીકરીઓના પોતપોતાના સમાજના રીતિરિવાજો અનુસાર ધામધૂમથી લગ્ન કરાશે. લાડકડી સમૂહ લગ્નમાં દીકરીઓને આશીર્વાદ આપવા મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેનાર હોવાનું જાણવા મળે છે.
માતા-પિતા વગર અથવા માત્ર પિતા વગરની દીકરીઓના સમૂહલગ્નના સેવાયજ્ઞમાં સવાણી પરિવારની સાથે મોવલિયા પરિવાર પણ જોડાયું છે. લાડકડી સમૂહ લગ્નમાં ૬ મુસ્લિમ દિકરીઓ અને ત્રણ ખ્રિસ્તી દીકરીઓ છે. આ દીકરીઓ પૈકી ૫૪ દીકરીઓનું પરિવારમાં કોઇ જ નથી. જ્યારે ૧૧૮ દીકરીઓના પપ્પા અથવા ભાઇ નથી, માત્ર બહેનો જ છે. ઉપરાંત ૪૫ જ્ઞાતિઓને દીકરીઓ એક જ મંડપમાં લગ્નગ્રંથિથી જોડાશે. સમૂહ લગ્નની સાથે સાથે દીકરીઓની સરકારી યોજનાનો લાભ મળશે તેમજ લગ્નના દિવસે જ તમામ યુગલોને લગ્નનું સર્ટિફિકેટ ઇશ્યૂ કરી દેવામાં આવશે. દરેક દીકરીઓનું કન્યાદાન રાજકારણીઓ અને IAP, IPSના હસ્તે કરવામાં આવશે. પી.પી.સવાણી ગ્રૂપ અને GNSP દ્વારા સંચાલિત જનનીધામમાં ૬૫ HIVગ્રસ્ત દીકરીઓ રહે છે. ૬૫ HIVગ્રસ્ત દીકરીઓ પૈકી ૪ દીકરીઓ સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલા માંડશે. લાડકડી સમૂહલગ્નમાં આ વખતે લગ્નનું માયરૂં રાષ્ટ્રધ્વજના આકારનું બનાવશે. ઊંચાઇ પરથી જોતાં માયરૂં તિરંગા જેવું દેખાશે.