(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૨૮
શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી કાપડની મિલમાં આગ લાગતાં કાપડનો જથ્થો તથા અન્ય ફર્નિચર બળીને ખાખ થઇ ગયું હતું.
જ્યારે શહેરના ભાઠેના વિસ્તારમાં આવેલા મિઠાઇની દુખાનમાં વહેલી સવારે આગ લાગતા યુવક દાઝી ગયો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી સનરાઇઝ સ્કૂલની પાસે પ્રગતિ ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મિલમાં સવાર પાળીમાં કારીગરો કામકાજ કરી રહ્યા હતા, ત્યારે સવારે સાડા અગિયારના સુમારે આ મિલમાં આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવના કારણે કારીગરો મિલની બહાર દોડી આવ્યા હતા. આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ઓફિસર તથા લશ્કરો ઘટના સ્થળે પહોંચી જઇને ફાટી નિકળેલી આગને કાબૂમાં લીધી હતી. વધુમાં આ બનાવના કારણે તૈયાર કાપડના તાકાનો જથ્થો પળભરમાં બળી ગયો હતો. આ ઉપરાંત ફર્નિચર તેમજ ઓફિસો રેકોર્ડ પણ આગની લેપટમાં આવી જતાં ભારે નુકશાન થયું હતું. આ આગ કઇ રીતે લાગી તેનું કારણ તત્કાળ જાણવા મળ્યું નથી. આ બનાવના કારણે આસપાસના વિસ્તારોમાં આવેલ મિલોના કારીગરો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગણતરીના કલાકોમાં આગ કાબૂમાં આવી જતાં કારીગરોએ તથા મિલના માલિકોએ રાહતનો દમ લીધો હતો.અન્ય આગના બીજ બનાવમાંભાઠેના વિસ્તારમાં લક્ષ્મીનગર આવેલું છે. આ મિઠાઇની દુકાનમાં આજે સવારે સાડા સાતના સુમારે આગ લાગી હતી. આ આગે જોતજોતામાં વરવુરૂપ ધારણ કરતાં ત્યાં કામકાજ કરી રહેલા રાજકુમાર જગન્નાથ (ઉ. વ. ૩૫)ને કમરના ભાગે તથા શરીરના અન્ય ભાગોએ આગની ઝાળ લાગતા દાઝી ગયો હતો. આ સાથે અન્ય ત્રણ કારીગરોને પણ આગની ઝાળમાં દાઝી ગયા હતા. આ બનાવના કારણે સ્થાનિક રહિશો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ઓફિસર વિનય રાણા સહિતના લશ્કરોએ ઘટના સ્થળે પહોંચી જઇને ૧૦૮ એમ્બ્યુલન્સવાનને બોલાવી દાઝેલ યુવકને તાબડતોળ હોસ્પિટલમાં પહોંચવાની કામગીરી આરંભી હતી.આ ઉપરાંત ટોરેનટો પાવર કંપનીના ઇલેક્ટ્રીશ્યન પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ બનાવમાં મિઠાઇ બનાવતા કારીગરોનો સામાન, ફર્નિચર, તથા અન્ય ચીજવસ્તુઓ પણ પળભરમા બળી ગયો હતો.