(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૪
શહેરના રીંગરોડ વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ(આરકેટી) માર્કેટમાંથી નકલી ચાવીથી દુકાન ખોલીને કરોડો રૂપિયાના કપડા ચોરી પ્રકરણમાં પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરતા અત્યાર સુધી છ જેટલા આરોપીઓ ઝડપાયા હોવાનું જાણવા મળે છે. વધુ ચાર આરોપીઓને પોલીસ શોધી રહી છે. પોલીસને શંકા છે કે જે દુકાનોમાંથી ચોરી થઈ છે ત્યાંના પણ કોઈ કર્મચારી સંડોવાયેલા હોઈ શકે છે. આરોપીઓને નકલી ચાવી બનાવવા ઓરીજનલ ચાવીની જરૂરત પડી હશે.માર્કેટનો ચોકીદાર મુખ્ય ભુમિકામાં હોય તેવી શંકા સેવાઇ રહી છે. પોલીસે આ મામલે પહેલાં ચોકીદાર રામ જેઠાભાઈ મોઢવડિયા(લિંબાયત)ની ધરપકડ કરી હતી. સલાબતપુરા પોલીસે બે દિવસમાં ત્રણ અલગ-અલગ ફરિયાદનોમાં ૪૦ લાખની ચોરીની નોંધ કરી હતી. રામની પુછપરછમાં બીજા દિવસે કોમલપ્રસાદ સીંગરોલ, વાહેદખાન પઠાણ( સલાબતપુરાની ધરપકડ કરી હતી. તેમની પુછપરછમાં વધુ ત્રણ આરોપીઓના નામ ખુલ્યાં હતાં. જેમાં પોલીસે ભીખા જગાભાઈ ચનાવાલા( રૂસ્તમપુરા), કોમલસિંગ ઉર્ફ ઇંદ્રસિંગ ગિરાસે(લિંબાયત) અને હિમલ ઉર્ફ મનુભાઈ (ગોડાદરા)ની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ તમામ ચોકીદાર છે. આરોપી રામ ૨૦૦૬થી આરકેટીમાં સ્વસ્તિક પ્રોક્ટર સિક્યુરીટી એજન્સી તરફથી નોકરી કરે છે. તમામ આરોપીઓ એકબીજાને ઓળખે છે. પોલીસે કાવતરાની કલમ નહીં ઉમેરતાં પોલીસની કામગીરી શંકાના દાયરા હેઠળ છે. આરકેટી માર્કેટમાં પાર્સલોની ચોરીના કેસમાં મંગળવારે પણ દુકાનો બંધ રાખવાનો વેપારીઓએ નિર્ણય કર્યો છે. આજે ઉતરાયણની રજાના હોવા છતાં ફોસ્ટાએ આ મુદ્દે ઉકેલ લાવવા વેપારીઓની મીટીંગ બોલાવી છે. પોલીસ કાર્યવાહીમાં ઝડપ આવે તે માટે રવિવારે આરકેટી માર્કેટની મેનેજમેન્ટની મિટિંગમાં મંગળવારે પણ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરાયો હોવાનું જાણવા મળે છે.