(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૪
હાલમાં હોળી ધૂળેટીના તહેવારો નજીક હોવાથી અત્યાર સુધી જીએસટી અને મંદીથી પરેશાન કાપડ ઉદ્યોગકારોને કામદારોની અછતની ચિંતા પરેશાન કરી રહી છે. અન્ય રાજ્યોમાં કામ કરતા કામદારો હોળીને લીધે વતન પરત થઇ જતા કાપડના કારખાનામાં ૪૦ ટકા જેટલા કામદારોની ખોટ વર્તાઇ રહી છે જેને પગલે કાપડના ઉત્પાદનમાં પણ પચાસ ટકા જેટલો ઘટાડો થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કાપડ ઉદ્યોગમાં કામ કરતા મોટા ભાગના કામદારો યુપી, બિહાર, ઉત્રાખંડ, મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોના છે. તેમના રાજ્યોમાં હોળી તહેવારની ઉજવણી ખૂબ ધૂમધામથી કરવામાં આવે છે. જેને પગલે સુરતમાં કામ કરતા કામદારો તહેવારની ઉજવણી કરવા માટે તેમના વતન ઉપડી જાય છે. આગામી દિવસોમાં પણ હોળીનો તહેવાર હોવાથી લૂમ્સ કારખાનાના, એમ્બ્રોડરી અને ડાઇંગ પ્રોસેસિંગ એકમોમાં કામ કરતા અન્ય રાજ્યોના મોટા ભાગના કામદારો વતન ઉપડી ગયા છે. જેને પગલે ઉત્પાદનમાં પચાસ ટકા જેટલો ઘટાડો થયો છે.
જેથી અત્યાર સુધી જીએસટી અને મંદીને લીધે કાપડ ઉદ્યોગમાં મંદીનો માહોલ હોવાથી ઉદ્યોગકારો પરેશાન હતા. દિવાળી બાદ લગ્નસરામાં સારો ઓર્ડર મળળાની ઉમ્મીદ હતી, પરંતુ હાલમાં કાશ્મીરમાં પુલવામાં હુમલાને લીધે યુદ્ધની પરિસ્થિતી સર્જાતા વેપાર પર અસર પડી હતી. જો કે, હોળી બાદ બજારમાં સારી ખરીદી નીકળે તેની પૂર્ણ સંભાવના છે. પરંતુ હાલ સુરતના કાપડ ઉદ્યોગમાં કામ કરતા કામદારો વતન ઉપડી ગયા હોવાથી ઉત્પાદનમાં ભારે ઘટાડો થયો છે. હવે કાપડ ઉદ્યોગકારોએને ચિંતા છે કે હોળી બાદ અન્ય રાજ્યોમાંથી વપારીઓના ઓર્ડર મળવાની શરૂઆત થશે ત્યારે માલની શોર્ટેજ સર્જાશે અને ઓર્ડર રદ પણ થઇ શકે છે. સ્થાનિક સ્તરે નહીં પરંતુ એક્સપોર્ટના ઓર્ડર પણ રદ થળાની શક્યતા છે. વેપારીઓનું કહેવું છે કે હાલમાં વતન ગયેલા કામદારો હવે જુનમાં જ પરત આવશે ત્યાર સુધી ઉત્પાદન પ્રભાવિત થશે જેને પગલે વેપાર પર પણ અસર થવાની આશંકા છે.