(એજન્સી) તા.૨૪
રવિવારે દિલ્હીના જાફરાબાદમાં સીએએના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે હિંસા થઈ હતી. આ હિંસામાં અનેક લોકો ઘાયલ થયા હતા, પરંતુ આ બધાની વચ્ચે દિલ્હી પોલીસ સામે ફરીવાર પ્રશ્નો ઊઠી રહ્યા છે. ઈસ્ટર્ન રેન્જના જોઈન્ટ કમિશનર આલોકકુમારે સોમવારે જણાવ્યું હતું કે, હિંસાની ઘટના સંદર્ભે ચાર કેસો નોંધવામાં આવ્યા છે. જેમાં એક-એક કેસ જાફરાબાદ તેમજ વેલકમમાં અને બે કેસો દયાલપુરમાં નોંધાયા હતા, પરંતુ હવે આ પ્રશ્ન ઊભો થાય છે કે, જાફરાબાદમાં સીએએ સામે થઈ રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના નેતા કપિલ મિશ્રાએ ટિ્‌વટ કરી તેમના સમર્થકોને મૌજપુર બોલાવ્યા હતા. નોંધનીય વાત તો એ છે કે, કપિલ મિશ્રા ત્યાં પહોંચ્યા ત્યારબાદ જ ત્યાંની સ્થિતિ બગડી હતી. આટલું જ નહીં મિશ્રાએ ડીસીપી, દિલ્હી પોલીસ અને પ્રદર્શનકારીઓને ધમકીભર્યા સ્વરમાં ચેતવણી પણ આપી હતી. આમ છતાં દિલ્હી પોલીસે કપિલ મિશ્રા વિરૂદ્ધ કોઈ એફઆઈઆર દાખલ કરી ન હતી. રવિવારે કપિલ મિશ્રાએ કહ્યું હતું કે, “દિલ્હી પોલીસ ત્રણ દિવસમાં રસ્તો ખાલી કરાવે. અમે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના પરત ફરવા સુધી શાંત છીએ, પરંતુ જો ત્રણ દિવસમાં રસ્તો ખાલી નહીં થાય તો પછી અમે સડકો પર ઊતરીશું. ત્યારબાદ અમે દિલ્હી પોલીસની પણ નહીં સાંભળીએ.”