(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૬
કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે વડાપ્રધાન મોદીના નિવેદન સામે વળતો પ્રહાર કર્યો છે. સમાચાર એજન્સી સાથે વાત કરતા કપિલ સિબ્બલે વડાપ્રધાન મોદીના આરોપોનો જવાબ આપ્યો છે જેમાં તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં વિલંબનો પ્રયાસ કરી રહી છે. સિબ્બલે કહ્યું કે, અમે પીએમને પૂછવા માગીએ છીએ કે, શું કોંગ્રેસ પાર્ટી સુપ્રીમમાં ચાલી રહેલી કોઇ સુનાવણીને રોકી શકે છે ? આ સુપ્રીમ કોર્ટ પ્રત્યે માનહાનિનો મામલો છે. તમે એમ કહેવા માગો છો કે સુપ્રીમ કોર્ટ કોઇના રાજકીય દબાણમાં આવી શકે છે ? આ ઘણી શરમજનક વાત છે અને પીએમે આવા નિવેદન આપવા જોઇએ નહીં.
આ સાથે જ તેમણે કહ્યું હતું કે, પીએમ મોદીને વાસ્તવિકતા ખબર જ નથી. કોંગ્રેસ પાર્ટી તો આ કેસમાં સામેલ જ નથી. કોંગ્રેસ આ કેસમાં પાર્ટી નથી. મેં આ કેસમાં જાન્યુઆરી ૨૦૧૮થી જ હાજર થવાનું બંધ કરી દીધું છે. આ ઉપરાંત સિબ્બલે કહ્યું કે, પીએમ ગભરાયા છે, વર્ષ ૨૦૧૪, ૨૦૧૫, ૨૦૧૬, ૨૦૧૭માં તેમને રામ લલા યાદ ના આવ્યા. હવે ૨૦૧૮માં ચૂંટણીને કારણે ફરી રામલલા યાદ આવી ગયા. ગભરાયેલું કોણ છે ? વીએચપી અયોધ્યામાં શું કરી રહી છે ? ડરનો માહોલ ઊભો કરવામાં આવે છે જેના કારણે પીએમને રાજકીય લાભ મળી શકે. ઉલ્લેખનીય છે કે, રવિવારે રાજસ્થાનના અલવરમાં પ્રચાર દરમિયાન મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસના રાજ્યસભા સભ્ય કહે છે કે, ૨૦૧૯ સુધી બાબરી શહીદીનો કેસ ન ચલાવો કેમ કે ૨૦૧૯માં ચૂંટણી છે.