(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને રાજનીતિના મેદાનમાં ઉતારતાની સાથે પાર્ટી જબરદસ્ત જોશમાં નજરે પડી રહી છે. હવે એવી અટકળો ચાલી રહી છે કે પાર્ટી પ્રિયંકાને મોદી સરકાર વિરુદ્ધ વારાણસીથી મેદાનમાં ઉતારી શકે છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી કપિલ સિબ્બલે ટિ્‌વટ કરી આ દિશામાં સંકેત પણ આપી દીધા છે. ૨૦૧૪માં મોદી વિરુદ્ધ કોંગ્રેસ ઉમેદવાર અજય રાયે તેના માટે રાહુલ ગાંધીને પ્રસ્તાવ મોકલવાની વાત કહી છે.
કપિલ સિબ્બલે ટિ્‌વટ કર્યું, મોદીજી અને અમિત શાહે કહ્યું હતું, કોંગ્રેસ મુક્ત ભારત! હવે પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશ (પૂર્વ)માં ઉતાર્યા બાદ અમે જોઇશું. …મુક્ત વારાણસી? …મુક્ત ગોરખપુર? રાજનીતિમાં હાલના દિવસોમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે પ્રિયંકાને પૂર્વ યૂપીની કંઇ સીટ પરથી ઉતારવામાં આવી શકે. એવી પણ ચર્ચા છે કે વડાપ્રધાન મોદી વિુરુદ્ધના મુકાબલામાં તેમને વારાણસીથી પાર્ટી પોતાનો ચહેરો બનાવી શકે છે. પ્રિયંકાને પૂર્વ યૂપીની કમાન સોંપવામાં આવી છે અને તેમણે કોંગ્રેસના મહાસચિવ પણ બનાવવામાં આવ્યા છે. બુધવારે રાહુલ ગાંધીએ પણ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં હવે ફ્રંટફૂટ પર રમશે. પ્રિયંકા અત્યાર સુધી પ્રદેશમાં માત્ર રાયબરેલી અને અમેઠીના વિસ્તારોમાં જ ચૂંટણી પ્રચાર કરતી હતી. આ વખતે તેમણે બીજેપીનો ગઢ મનાતા પૂર્વ યૂપીની કમાન સોંપવામાં આવી છે.