ન્યુ દિલ્હી,તા.૮
નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આર્થિક આધાર પર ગરીબ સવર્ણોને ૧૦ ટકા અનામત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયને વિપક્ષની પાર્ટીઓ નરેન્દ્રમોદીનો ચુંટણીલક્ષી જુમલો કહી રહ્યા છે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે મંગળવારે ટ્‌વીટ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા. તેમણે ટ્‌વીટ કરી લખ્યું હતું કે નરેન્દ્ર મોદી ૧૦ ટકાના પ્રધાનમંત્રી હોવાનું કહી ટોણો માર્યો છે.
કપિલ સિબ્બલે ટ્‌વીટ કરતા કહ્યુ હતુ કે, ગરીબીના આધાર પર અનામત આપવુ અને ૨ કરોડ નોકરીઓ આપવાના વાયદોને ભૂલી જવાનો, મોદીજી માત્ર ૧૦ ટકા જ પ્રધાનમંત્રી રહ્યા છે. તેઓ એ વધુમા કહ્યું હતું કે, “કમલ કા હુમલા એક ઓર જુમલા”
સોમવારે જેવો જ મોદી કેબિનેટે આ નિર્ણય લીધો ત્યારથી રાજકીય પ્રતિક્રિયાઓ આવવાની શરૂ થઈ ગઈ હતી. કેટલીક રાજકીય પાર્ટીઓએ આ નિર્ણયને આવકાર્યો તો કેટલીક પાર્ટીએ ચુંટણી સ્ટંટ કહ્યું.
કોંગ્રેસ તરફથી મોટાભાગે આ નિર્ણયને સમર્થન અપાયુ છે. કોંગ્રેસે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે ગરીબ બાળકોના અનામતને લઈને અમારો પૂરો સહયોગ અને સમર્થન રહેશે, પરંતુ નરેન્દ્ર મોદીની સરકારે જવાબ આપવો પડશે કે તેઓ યુવાનોને રોજગારી ક્યારે આપશે.
બીજી તરફ કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ કેટીએસ તુલસીએ મોદી સરકારના આ નિર્ણયને મજાક ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, મોદી સરકાર જનતાને મૂર્ખ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે.આ બિલને તેઓ પાસ પણ નહી કરાવી શકે. તેમણે કહ્યુ કે કોઈ સામાન્ય બિલ પાસ નથી થતુ તો આ બિલ કેવી રીતે પાસ થઈ શક્શે?