(એજન્સી) કરાચી,તા. ર૮
કરાચીમાં આવેલા હોક્સબે બીચ પર રજાઓ ગાળવા આવેલા સઉદીના વાણિજ્ય દૂતાવાસના બે કર્મચારી અને વાઇસ કાઉન્સિલ જનરલના દીકરાનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ ઘટના શનિવારે બની હતી. સ્થાનિકો અને પ્રવાસીઓએ તેમને બીચ તરફ આગળ વધવાથી વારંવાર અટકાવવા છતાં તેઓ આગળ વધી ગયા હતા. હાલમાં પાકિસ્તાનના આ વિસ્તારમાં ભીષણ ગરમી જોવા મળી રહી છે. સુરક્ષા અધિકારીઓએ તેમની ઓળખ અલા બિન અત્તિયા અલ કુથામી, અબ્દુલ્લાહ બિન ફાલેહ અલ-સુબાઇ અને સઉદી કોન્સ્યુલેટના વાઇસ કાઉન્સિલ જનરલના દીકરા ફહદ ફિહાન અલ ઉસૈમી તરીકે જાહેર કરી છે.
લગભગ બે કલાક સુધી કરવામાં આવેલા શોધખોળ અભિયાન બાદ ત્રણેના શબ રિકવર કરી લેવામાં આવ્યા હતા અને સઉદીના અધિકારીઓને તેમના શબ સોંપી દેવાયા હતા. રફ પાણી અને ઝડપી પવનોને કારણે હાલ બીચ વધુ ઘાતક બન્યો છે. લોકોને બીચ પર જવા મનાઇ ફરમાવાઇ છે. આ લોકોને પણ સ્થાનિકો અને પ્રવાસીઓએ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે તેમણે કોઇની સાંભળી જ નહોતી. સઉદીના કોન્સ્યુલેટના કર્મચારીએ અરબ ન્યૂજને કહ્યું હતું કે અમે આ મામલે કોઇ ટિપ્પણી કરી શકીએ તેમ નથી કેમ કે કરાચીમાં કોન્સ્યુલેટ વતી કોઇ નિવેદન આપવાનો અમને અધિકાર નથી. જોેકે રજાનો દિવસ હોવાથી ઇસ્લામાબાદ ખાતે આવેલી સઉદીની એમ્બેસી અને કરાચીના કોન્સ્યુલેટનો કોઇપણ અધિકારી આ મામલે ટિપ્પણી કરવા આગળ આવ્યો ન હતો. જોકે એક અન્ય ઘટનામાં એક પરિવાર સાથે આવેલો કિશોર પર હોક્સબે બીચ પર તણાઇ ગયો હતો. આ પરિવાર અહીં પિકનિક મનાવવા આવ્યો હતો અને તેઓને આવી સ્થિતિનું ભાન જ નહોતું. હાલમાં અત્યાર સુધી ૧૮ જેટલા લોકો જુદા જુદા બીચ પર જીવ ગુમાવી ચૂક્યા છે. સરકાર લગભગ દરિયામાં ન્હાવા પર છ મહિના સુધીનો પ્રતિબંધ મૂકશે તેવી શક્યતા છે. સરકારેે સરકારી જાહેરાત આપીને લોકોને બીચ પર જવાનું ટાળવા અને બીચ પર ૧૪૪ની કલમ લાગુ કરવાનો નિર્ણય કરવો જોઇએ. દરિયા કિનારે સરકાર લગ્ન, સ્વીમિંગ કે ડાઇવિંગ કરવા પર પ્રતિબંધ મૂકી શકે છે.