(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૩૦
વડોદરા શહેરમાં ૨૫ જુન સોમવારે પડેલા ભારે વરસાદ દરમિયાન ગોત્રી વિસ્તારનાં રાજેશ ટાવર રોડ પરની ઓલમાઇટી સોસાયટીમાં પિતા પુત્રનાં કરંટ લાગવાથી મોત નિપજ્યા હતા. આ મામલામાં મધ્ય ગુજરાત વીજ કંપનીનું કહેવું છે કે લો ટેન્શન લાઇનનું એન્ડરગ્રાઉન્ડ વાયરીંગ વીજ કંપની દ્વારા કરવામાં આવતું નથી. સોસાયટીઓમાં જે પણ અન્ડર ગ્રાઉન્ડ વાયરીંગ કરવામાં આવે છે તેની જવાબદારી બિલ્ડરની હોય છે આજે પત્રકારો સાથેની વાતચીતમાં વીજ કંપનીના ચીફ એન્જીનિયર ભરત ઉપાધ્યાયે કહ્યું હતું કે, અન્ડર ગ્રાઉન્ડ વાયરીંગ બિલ્ડરે પોતાના ખર્ચે જ ઇલેકટ્રીક કોન્ટ્રાકટર પાસે કરાવવાનું હોય છે. આ માટે બિલ્ડરે ૩૦ જેટલી શરતોનું પાલન કરવાનું હોય છે. જેની લેખિત ખાતરી બિલ્ડરે વીજ કંપનીને આપવી પડે છે. એ પછી જ જોડાણ આપવામાં આવે છે. તેમણે કહ્યું હતું આજે ફરી એક વખત અમે ઓલમાઇટી સોસાયટીની મુલાકાત લીધી હતી. આ ઘટનામાં જોવા મળ્યું છે કે, ઓરિજીનલ અન્ડર ગ્રાઉન્ડ વાયરીંગમાં કોઇક ફોલ્ટ અગાઉ સર્જાયો હશે અને એ પછી જ્યારે વાયર બદલવામાં આવ્યો ત્યારે જુના વાયરને કાપવાની જગ્યાએ સ્વીચ બોર્ડ સાથે જોડાયેલી હાલતમાં અમે ને એમ છોડી દેવાયો હતો. અન્ય વાયરનો ઉપયોગ કરીને સ્ટ્રીટ લાઇને જોડાણ આપી દેવાયું હતું. જુના વાયરનું ઇન્સુલેશન નિકળી જતાં કરંટ પ્રસરીને સોસાયટીનાં ગેટમાં પ્રસર્યો હતો અને જેના કારણે આ કમનસીબ ઘટના બની હતી. આમ અમારી તપાસમાં સ્પષ્ટપણે જોવા મળ્યું છે કે, વાયરીંગ કરવામાં થયેલી બેદરકારી આ ઘટના માટે જવાબદાર છે.