(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૩
શહેરના લિંબાયત ગોડાદરા ખાતે આસ્તિકનગરમાં ગણપતિની શોભાયાત્રામાં ગતરાત્રે કરંટ લાગવાની ઘટનામાં આઠ જણાને કરંટના ઝાટકા લાગ્યા હતા. જે યુવકને સૌથી વધુ કરંટ લાગ્યો હતો તે ગંભીર રીતે દાઝી ગયો હતો. સારવાર મળે તે ઉદ્દેશય સાથે સતત ૧૦૮ને ફોન કરવા છતાં એમ્બ્યુલન્સ સમયસર આવી ન હતી. જેથી ઇજાગ્રસ્તોને અલગ અલગ રીક્ષાઓમાં સ્મીમેર હોસ્પિટલ લઇ જવાયા હતા. આવા આક્ષેપ સ્મીમેર હોસ્પિટલમાં ઈજાગ્રસ્તના મિત્રો તથા પરિવારજનોએ કર્યા હતો.સ્મીમેર હોસ્પિટલ પહોંચતા એક યુવકનું મોત નીપજ્યું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોડાદરાના આસ્તિક ટાયગર ગ્રુપના સભ્યો ગઈ કાલે સાંજે પુણા પાટિયા સ્થિત ભક્તિ નગરમાંથી ડીજેની તાલે વાજતે ગાજતે અને ધામધૂમથી ગણેશની મૂર્તિ સ્થાપના કરવા માટે લઈ જતા હતા. ગ્રુપના સભ્યોની સાથે સોસયટીના લોકો પણ હતા. તેઓ ડીજેમાં નાચતા નાચતા રાત્રે લગભગ ૮.૧૫ વાગે આસ્તિક નગરમાં પહોચ્યા હતા. મંડપથી તેઓ માત્ર ૧૦ મીટરના અંતરે હતા. જ્યાં તમામ ડીજેની તાલે ઉત્સાહ સાથે નાચી રહ્યા હતા. જેમાં એક જણા પાસે સ્ટીલના પાઈપનો ઝંડો હતો. અને તે ઝંડો ફેરવતો હતો ત્યારે અચાનક સ્ટીલનો પાઈપ નજીકમાં આવેલ ઈલેક્ટ્રિકની ડીપીના વાયરને અડી ગયો હતો જેના કારણ પળવારમાં જ નાસભાગ અને ઉત્સાહની વિધ્ન છવાઈ ગયો હતો. સ્ટીલનો પાઈપ જીવંત વાયરને અડી જવાના કારણે જીપીમાં શોર્ટ સર્કિટમાં કારણે ઘડાકો થયો હતો તેમજ સ્ટીલના પાઈપમાં કરંટ ઉતરતા પાઈપ પકડેલા યુવક અને તેની નજીકમાં નાચી રહેલા ૮ જેટલા યુવકોને કંરટનો ઝાટકો લાગ્યો હતો. ઝાટકાના કારણે તેઓ દૂર દૂર ફેંકાયા હતા. ઘટના પગલે સ્થળ ઉપર નાશભાગ મચી ગઈ હતી. તેમજ જેમને કરંટ લાગ્યો હતો. તેઓ જમીન પર પડ્યા હતા, અને દાઝી જવાના કારણે તડપી રહ્યા હતા. ત્યારે ગ્રુપના સભ્ય તથા સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને એક પછી એક વારાફરતી ૧૦૮ એમ્બ્યુલેન્સને કોલ કરી રહ્યા હતા. એકથી દોઢ કલાક સુધી તેઓ ૧૦૮ની રાહ જોઈ તે દરમ્યાન દાઝેલા યુવકો દર્દના અને બળતરાના કારણે કણસી રહ્યા છતાં સમયસર ૧૦૮ સ્થળ ઉપર નહિ પોંચી હતી. જેથી આખરે મજબૂરીમાં તેઓ અલગ અલગ રિક્ષામાં ૭ જણાને સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં કેઝુયલીટી વિભાગમાં ડોકટરોએ રાજકુમાર સુરેેશ ચૌધરી (ઉ.વ.૨૩) રહે- રિશી નગર ગોડારાને મરણ જાહેર કર્યો હતો. જ્યારે અન્ય સાત જેટલા યુવકોને સારવાર આપવાનું શરૂ કરાયું હતું. ઘટના અંગે ખબર પડતા લીંબાયત પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. વધુમાં પરિવાજનોએ જણાવ્યું હતું કે મરણજનાર રાજકુમારના અઠી વર્ષ પહેલા લગ્ન થયા હતા.તે કાપડ માર્કટમાં સાડી ફોલ્ડિંગનું કામ કરતો હતો. ઘટનાના પગલે તેના પરિવારમાં શોક વ્યાપી ગયો છે.