(સંવાદદાતા દ્વારા) વેરાવળ, તા.૨૮
વેરાવળ નજીકના રામપરા ગામે વાડી વિસ્તારમાં આજે બપોરના સમયે એક વીજ કનેક્શન નાખવા વીજપોલ ઊભો કરવાની કામગીરી કરી રહેલ કોન્ટ્રાક્ટરના પાંચ મજૂરોને વાડી માલિકના પરિવારના બે યુવાનો મદદ કરી રહેલ ત્યારે એકાએક વીજ થાંભલો નમીને બાજુમાંથી પસાર થઈ રહેલ ૧૧ કેવીની લાઈનમાં અડી જતા જોરદાર શોર્ટ લાગતા એક મજૂર અને વાડી માલિકના બે યુવાનોના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજેલ જયારે અન્ય બે લોકોને શોર્ટ લાગતા સારવાર હેઠળ સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. આજે બપોરે દોઢેક વાગ્યા આસપાસ વેરાવળ તાલુકાના રામપરા ગામની વાડી વિસ્તારમાં મૂળીબેન નાથાભાઇ જાદવની વાડીએ નવું વીજ કનેક્શન નાખવાની કામગીરી સબબ તેમની વાડીમાં વીજ પોલ ઊભા કરવાની કામગીરી ચાલી રહેલ હતી. દરમિયાન એક પોલ નખાય બાદ બીજો પોલ ઊભો કોન્ટ્રાક્ટરના પાંચ મજૂરો દ્વારા ઊભો કરાઈ રહેલ ત્યારે વાડી માલિકના પરિવારના ત્યાં હાજર બે યુવાનો પણ મદદ કરી રહેલ તે સમયે અકસ્માતે વીજ પોલ અકસ્માતે નમી જતા બાજુમાંથી પસાર થતી ૧૧ કેવીની લાઈનમાં અડી જતા જોરદાર શોર્ટનો ઝટકો આવેલ જે મજૂર પાણીકોઠાના આદમ યુસુફ સમા (ઉ.વ.૨૪) તથા વાડી માલિકના પરિવારના રોહિત નાથા જાદવ (ઉ.વ.૧૮), વિજય માલદે ચાવડા (ઉ.વ.૧૯)ને ભરખી જતા ત્રણેયના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજેલ હતા જયારે જીગ્નેશ બાલુભાઈ સોલંકી (ઉ.વ.૧૯) અને અબ્બાસ સુલમાનભાઈ સાયલી (ઉ.વ.૨૦)ને પણ શોર્ટ લાગતા સારવાર માટે ઈમર્જન્સી ૧૦૮ સેવાના વિપુલ ગોહેલે હોસ્પિટલે ખસેડેલ હતા. આ બનાવ બનતા ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ કામકમાટીભરી ઘટના અંગે પોલીસ અને પીજીવીસીએલ ના અધિકારીઓ એ તપાસ હાથ ધરી છે.