(એજન્સી) નવી દિલ્હી, તા.૭
માલદીવમાં રાજકીય સંકટ બાદથી ભારત માટે સુરક્ષા પડકારો સતત વધી રહ્યાં છે. ગયા મહિને જ વર્ક પરમિટ અને ગિફ્ટમાં આપેલા હેલિકોપ્ટર પાછા આપી ભારતને ઝાટકો આપ્યા બાદ હવે આ સપ્તાહે માલદીવે પાકિસ્તાનની સાથે કરાર કરીને ભારત માટે અસહજ સ્થિતિ ઉભી કરી દીધી છે. માલદીવ એ પાકિસ્તાનની સાથે પાવર સેકટરમાં મજબૂત ક્ષમતાવાળા બિલ્ડિંગ નિર્માણ માટે કરાર કર્યો છે.
માલદીવના સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કંપની સ્ટેલકોના પ્રતિનિધિઓએ ગયા સપ્તાહે પાકિસ્તાન જઇ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. માલદીવે ભારતીયો માટે વર્ક પરમિટ આપવાનું બંધ કરી દીધું છે અને ભારતના સહયોગથી થનાર પ્રોજેક્ટને પૂરા કરવામાં પણ ઇરાદાપૂર્વક મોડું કરી રહ્યાં છે. આવા સમયમાં પાકિસ્તાનની સાથે કરાર નવી દિલ્હી માટે ચિંતાનું કારણ ચોક્કસ છે. માલદીવમાં ભારતના સહયોગથી એક પોલીસ એકેડમીનું નિર્માણ થઇ રહ્યું છે, પરંતુ માલે ઇરાદાપૂર્વક તેમાં મોડું કરી રહ્યું છે. માલદીવમાં હાજર ભારતીય અધિકારીનું માનવું છે કે સંકેતોમાં માલદીવ ભારતનો પ્રભાવ પોતાના દેશમાં સંપૂર્ણપણે ઓછો કરવા માંગે છે. ભારતીય અધિકારી એમ પણ જાણવાની કોશિષ કરી રહ્યાં છે કે જ્યારે સ્ટેલકોના મોટાભાગના પ્રોજેક્ટ ચીનની સહાયતાથી જ પૂરા થઇ રહ્યાં છે. આવા સમયમાં પાકિસ્તાનની સાથે અલગથી કરાર કરીને માલદીવ સરકાર ભારતને શું સમજાવાની કોશિષ કરી રહ્યું છે. એક વરિષ્ઠ ભારતીય અધિકારીએ કહ્યું કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ જોતા કહી શકાય છે કે માલદીવની મદદ કરવી શકવામાં પાક ખાસ સક્ષમ નથી. પ્રેસિડન્ટ યામીન દરેક પ્રકારની કોશિષ કરી રહ્યાં છે કે ભારતના પ્રભાવને માલદીવમાં ઓછામાં ઓછો રાખી શકે. તેઓ માલદીવને ભારતના પ્રભાવ અને નવી દિલ્હીની નિકટતા બંનેથી જ દૂર રાખવાની કોશિષ કરી રહ્યાં છે. બીજા એક અધિકારીએ કહ્યું કે ભારત પાસેથી ગિફ્ટમાં મળેલા બંને હેલિકોપ્ટર હટાવાનો નિર્ણય લીધા બાદ યામીન સરકારે ભારતને ડેડલાઇન ખત્મ થવાની પણ યાદ અપાવી દીધી છે. તેની સાથે જ માલદીવે ભારત પાસેથી ૨૦૧૬મા થયેલ ચર્ચા બાદ ડોરનિયર એરક્રાફ્ટ લેવાની પણ ના પાડી દીધી છે.