(એજન્સી) તા. ૯
અંતે એ દિવસ આવી જ ગયો જ્યારે અમેરિકાએ ઇરાન સાથેના પરમાણુ કરારને તોડવાનો નિર્ણય કરી લીધો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે વ્હાઇટ હાઉસ ખાતેથી પત્રકાર પરિષદને સંબોધતાં ઇરાન સાથેના ઐતિહાસિક પરમાણુ કરાર જેસીપીઓએમાંથી અમેરિકાના ખસી જવાની જાહેરાત કરી દીધી છે. જોકે ટ્રમ્પના આ નિર્ણય સામે ઈરાને પણ તાત્કાલિક ધોરણે ચેતવણી આપી દીધી છે કે જો કરાર નિષ્ફળ જશે તો તે પહેલાથી વધારે યુરેનિયમ સંવર્ધન કરશે. જોકે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગ્યુટરેસે આ મામલે આ કરાર સાથે સંકળાયેલા અન્ય સભ્ય દેશોને અપીલ કરી છે કે તેઓ આ કરારને વળગી રહે અને તેમાં કોઇપણ પ્રકારના ફેરફાર ન કરે. ટ્રમ્પે ભારતીય સમયાનુસાર મંગળવારે અડધી રાતે પત્રકાર પરિષદને સંબોધતાં કહ્યું હતું કે મારા માટે એ સ્પષ્ટ છે કે ઈરાનના પરમાણુ બોમ્બને અમે રોકી શકતા નથી. ઇરાન સાથેનો કરાર મૂળરુપે જ દોષપૂર્ણ છે. એટલા માટે હું આજે ઈરાન પરમાણુ કરારમાંથી અમેરિકાને હટાવી લેવાની જાહેરાત કરી રહ્યો છું. તેના થોડા સમય બાદ તેમણે ઇરાન વિરુદ્ધ તાજેતરના પ્રતિબંધોવાળા દસ્તાવેજો ઉપર હસ્તાક્ષર કર્યા અને તેમણે સાથે જ ચેતવણી આપી હતી કે જે પણ દેશ ઇરાનની મદદ કરશે તેણે પણ અમેરિકા દ્વારા પ્રતિબંધો સહન કરવા પડી શકે છે. ટ્રમ્પે કહ્યું હતું કે આ કરારથી ઇરાનને મોટી માત્રામાં નાણાં મળ્યા અને તેને પરમાણુ હથિયારો પ્રાપ્ત કરતાં રોકવામાં ન આવ્યો. ટ્રમ્પે આ નિર્ણય કરી મુખ્ય યુરોપિયન સહયોગીઓ અને અમેરિકાના ટોચના ડેમોક્રેટ નેતાઓની સલાહની અવગણના કરી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન જ ટ્રમ્પે ઓબામાના સમયમાં કરવામાં આવેલા ઈરાન સાથેના પરમાણુ કરાર જેસીપીઓએની આકરી ટીકા કરી હતી. તેમણે આ કરારને અમેરિકી ઇતિહાસનો સૌથી ખરાબ કરાર ગણાવ્યો હતો. આ કરાર વખતે મુખ્ય મંત્રણાકાર તે વખતે અમેરિકી વિદેશમંત્રી જ્હોન કેરી હતા. બીજી બાજુ ઇરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ કહ્યું હતું કે જો આ કરાર રદ થશે તો તેમનો દેશ પહેલા કરતાં પણ વધારે માત્રામાં યુરેનિયમનું સંવર્ધન કરશે. રુહાનીએ કહ્યું કે તે ટ્રમ્પના નિર્ણય અંગે યુરોપ, રશિયા અને ચીન સાથે વાત કરશે.

પરમાણુ સમજૂતીમાંથી અમેરિકાની પીછેહઠ અંગે ભારતની પ્રતિક્રિયા : મુદ્દો શાંતિપૂર્વક ઉકેલવો જોઇએ
ઇરાન સાથેની પરમાણુ સમજૂતીમાંથી અમેરિકાની પીછેહઠ કરવાના નિર્ણય અંગે બુધવારે ભારત પ્રતિક્રિયા આપી છે. એક નિવેદનમાં ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારતે હંમેશ ઇરાનનો પરમાણુ મુદ્દો શાંતિપૂર્વક રીતે અને મંત્રણા દ્વારા ઉકેલવાની હિમાયત કરી છે. ભારતે જણાવ્યું કે પરમાણુ ઉર્જાના ઇરાનના શાંતિપૂર્ણ ઉપયોગના અધિકારને માન આપીને રાજદ્વારી રીતે આ મુદ્દો ઉકેલવો જોઇએ. બ્રિટન, ફ્રાંસ, જર્મની અને કેનેડા સહિત અમેરિકાના ટોચના સહયોગી દેશોએ પણ ઇરાન સાથેની પરમાણુ સમજૂતીમાંથી પીછેહઠ કરવાના અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય અંગે ખેદ અને ચિંતા વ્યક્ત કરી છે.
ઇરાનના પરમાણુ કાર્યક્રમના સત્ય વિરુદ્ધ ટ્રમ્પનું જુઠ્ઠાણું
ઇરાનના પરમાણુ કાર્યક્રમની વાસ્તવિકતાએ છે કે ઇરાન પરમાણુ બોમ્બ બનાવવાની બહુ નજીક હોવાની બાબતને ગુપ્તચરો અને અન્ય વિશ્લેષણોમાં કોઇ સમર્થન અપાયું નથી. ઇરાન પરમાણુ બોમ્બ બનાવવા સક્ષમ નથી. નિષ્ણાતો એવું માને છે કે ઇરાનને પરમાણુ બોમ્બ બનાવવામાં ઓછામાં ઓછું એક વર્ષ જોઇએ. એક વર્ષ પહેલા ઇરાન પરમાણુ બોમ્બ બનાવી શકતું નથી. જ્યારે અમેરિકી પ્રમુખ કહે છે કે ઇરાન સાથેની પરમાણુ સમજૂતી બહુ જ નબળી હતી અને ઇરાન બહુ જ ઓછા સમયમાં પરમાણુ બોમ્બ બનાવી લેશે. વિશ્વની સત્તાઓ દ્વારા ઇરાનને અબજો ડોલર આપવામાં આવ્યા હોવાની ટ્રમ્પની વાત પણ ખોટી છે. ટ્રમ્પ કહે છે કે ઇરાન સામે બધા સહયોગી દેશો અમેરિકાની પડખે છે પરંતુ સત્ય એ છે કે ઇરાનના ભય અંગે મોટાભાગના સહયોગી દેશની અમેરિકા સાથે કોઇ સમજૂતી નથી. અમેરિકી શહેરોમાં અમે ઇરાનને વિનાશ વેરવા દઇશું નહીં, એવી ટ્રમ્પની ટિપ્પણી પણ ખોટી છે કારણ કે ઇરાન પાસે અમેરિકી શહેરો સુધી પહોંચે એવી કોઇ મિસાઇલ નથી.
ર૦૧પમાં ઓબામા સરકાર વખતે અમેરિકા, બ્રિટન, રશિયા, ચીન, ફ્રાન્સ અને જર્મની સાથે મળીને ઇરાને કરાર કર્યો હતો
તમને જણાવી દઇએ કે જુલાઇ ર૦૧પમાં જ્યારે તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સરકાર હતી ત્યારે જ અમેરિકા, બ્રિટન, રશિયા, ચીન, ફ્રાન્સ અને જર્મની સાથે મળીને ઇરાને આ કરાર કર્યો હતો. કરાર અનુસાર ઇરાને પોતાના સંવર્ધિત યુરેનિયમના ભંડારને ઘટાડવાનો હતો અને પરમાણુ પ્લાન્ટને નિરીક્ષણ માટે ખુલ્લાં મૂકવાના હતા. જોકે બદલામાં તેના પર લાગેલા આર્થિક પ્રતિબંધોમાં થોડીક રાહત આપવામાં આવી હતી. ટ્રમ્પનો આરોપ છે કે ઇરાને દુનિયાથી છુપાઇને પરમાણુ કાર્યક્રમ ચાલુ રાખ્યો હતો.