(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા. ૩૧
સુરેન્દ્રનગર શહેરમાં ફ્રૂટમાં મોટા ભાગે કાચો સસ્તો માલ બહારથી મંગાવી અને ગાડાઉનમાં રાખી કાર્બન અને કેમિકલથી પકવવામાં આવતા લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યાની ફરિયાદો ઊઠી છે. છતાં આરોગ્ય તંત્ર સાવ નિષ્ક્રિયતા દાખવતું હોવાનું જોવા મળે છે.
સુરેન્દ્રનગર શહેરમાં પોપટપરાથી લઈને સુરેન્દ્રનગર ધ્રાંગધ્રાના ઉતારા સુધી ગોડાઉનમાં કેરી, ચીકુ વગેરે મોટા ભાગના ફ્રૂટ કેમિકલ અને કાર્બનથી પકવવામાં આવી રહ્યા છે. આવા કેમિકલવાળા ફ્રૂટ ધોયા સાફ કર્યા વગર જ પાછા વેચાણ માટે માર્કેટમાં થડા ઉપર કે લારીઓમાં લવાય છે. આ ફ્રૂટ સીધા જ આરોગવાના કારણે મોઢામાં ચાંદા પડવા તથા બળતરા થવાના બનાવો બને છે. આવા આ કેમિકલ યુક્ત અને કાર્બન યુક્ત ફ્રૂટ મનુષ્યના સ્વાસ્થ્ય માટે હાનિકારક ચોક્કસ પણે છે ત્યારે આરોગ્ય વાળા કે નગરપાલિકા વાળા શા માટે બેધ્યાન રહીને લોકોના આરોગ્ય સાથે થતા આ ચેડાં ને ચલાવી લે છે ?
તાજેતરમાં વઢવાણ માર્કેટ યાર્ડમાં રાજાપુરી કેરી ઢગલામાં આવી હતી. જેને પકવવા માટે કાર્બન અને કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કેરી પકવાના બદલે બફાઈને બગડી જતાં કાળી પડવા લાગી હતી. આખી માર્કેટમાં ખાટી દુર્ગંધ પણ ફેલાવા લાગી ત્યારે માર્કેટમાંથી નિકાલ ક્યાં કરવો ? એ પણ સવાલ સર્જાયો હતો. જાહેરમાં નાખે તો જાનવરો આરોગે તો એના પણ મોત થાય ? એવો આ ઘાટ કેરીએ સર્જી નાખ્યો બાદમાં હજારોમણ કેરી ટ્રેકટરમાં ભરીને જ્યાં ત્યાં નિકાલ કરાવવી પડી હતી. કેટલીક બગડેલી કેરીઓ તળાવમાં ઠલવાઈ જ્યાં પણ વાતાવરણ બગડ્યું હતું.