(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨
શહેરના લીંબાયતના નારાયણ નગરમાં આવેલ એમ્બ્રોડરીના કારખાનામાં કારિગરની લોહીલુહાણ હાલતમાં લાશ જોઇ અન્ય કારીગરો ચોકી ગયા હતા. તેમજ લીંબાયત પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સંતોષ યાદવ (ઉ. વ. ૨૨) લીંબાયતના નારાયણ નગરમાં આવેલા એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરતો હતો. નાઇટ પાળીમાં કામ કરતા શુભમ મિશ્રા અને તેની વચ્ચે કોઇ બાબતે બોલાચાલી થઇ હતી. જેમાં શુભમે ચપ્પુ લઇને તેની છાતીના ભાગે જિવલેણ ઘા ઝીંકીને ભાગી ગયો હતો. ચપ્પુના ઘા ના કારણે સંતોષ ત્યાં લોહીલુહાણ હાલતમાં પડેલો હતો. મિન્ટુ તિવારી નામના કારીગર તેને જોઇને ચોકી ગયો હતો, અને પછી કારખાના માલિકને જાણ કરી હતી. ત્યારબાદ બધા ત્યાં દોડીને આવ્યા હતા અને તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ ઉપરના ડોક્ટરોએ તેને મરણ જાહેર કર્યા હતા. ઘટના અંગે જાણ થતાં લિંબાયત પીઆઇ જાદવ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ગુનો નોંધવાની તડવીજ હાથ ધરી હતી.