(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૧૩
કરજણ તાલુકાનાં લાકોદરા ગામ પાસે કાર ચાલકે એકટીવા સવાર પટેલ દંપતિને અડફેટમાં લેતા દંપતિનું ઘટના સ્થળ મોત નિપજયું હતું. બનાવને પગલે દોડી આવેલ કરજણ પોલીસે પતિ-પત્નીના મૃતદેહને ગુનો નોંધી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. પટેલ દંપતિ આજે સવારે લગ્નપ્રસંગમાં જતાં હતા.
પ્રાપ્ત થતી વિગત અનુસાર કરજણ તાલુકાનાં સરુપુર ટીંબી ગામે રહેતાં નગીનભાઇ પટેલ તથા તેમના પત્ની સુધાબેન પટેલ એકટીવા ઉપર પાદરા તાલુકાના ગવાસદ ગામે પોતાના વતનમાં સંબંધીને ત્યાં લગ્નપ્રસંગ હોઇ, તેમાં હાજરી આપવા જવા નિકળ્યા હતા. પટેલ દંપતિ નેશનલ હાઇવે નં.૮ ઉપર કરજણ નજીકનાં લાકોદરા ગામ પાસેથી પસાર થઇ રહ્યાં હતા તે વખતે પુરઝડપે જતી કારના ચાલકે એકટીવાને જોરદાર ટક્કર મારી હતી. જેથી પટેલ દંપતિ હવામાં ફંગોળાઇ રોડ પર પટકાયા હતા. જેમાં બંને જણાંને માથા અને શરીરના અન્ય ભાગો ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે લોકટોળા ભેગા થઇ ગયા હતા. બંને જણાંને સારવાર મળે તે પહેલા પટેલ દંપતિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે હાઇવે પર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની જાણ થતા કરજણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને કારચાલક સામે ગુનો નોંધી પટેલ દંપતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કરજણ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતની જાણ ગવાસદ ગામે થતા ગામમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી.