રાજકોટ,તા.૫
ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ટીમ ઈન્ડિયાએ તેની પ્રથમ ઈનિંગમાં ૯ વિકેટે ૬૪૯ રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. જવાબમાં વેસ્ટઈન્ડીઝની શરુઆત નિરાશાજનક રહી હતી. બીજા દિવસના અંતે પ્રવાસી ટીમે તેની પ્રથમ ઈનિંગમાં ૬ વિકેટ ગુમાવી ૯૪ રન બનાવ્યા.
ભારતના ૬૪૯ રનથી વેસ્ટઈન્ડિઝ હજી પણ ૫૫૫ રન પાછળ છે.વેસ્ટઈન્ડિઝ તરફથી કેપ્ટન ક્રેગ બ્રેથવેટ અને કેરોન પોવેલે દાવની શરુઆત કરી હતી. પરંતુ ત્રીજી ઓવરમાં જ મોહમ્મદ શમીએ બ્રેથવેટને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા આપાવી હતી. ત્યારબાદ શમીએ કેરોન પોવેલને એલબીડબ્લ્યુ કરીને વેસ્ટઈન્ડિઝને બીજો ઝાટકો આપ્યો હતો. પોવેલ ૧ રન બનાવી આઉટ થયો હતો.
રવિન્દ્ર જાડેજાએ ૧૩૨ બોલમાં અણનમ ૧૦૦ રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ૫ ફોર અને ૫ સિક્સર ફટકારી હતી. આ પહેલા તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૯૦ રન હતો. જાડેજાએ અડધી સદી અને સદી ફટકાર્યા બાદ તલવારબાજી પણ કરી હતી. રાજપૂતની જેમ જાડેજાએ તલવાર ફેરવી ફેન્સનું મનોરંજન કર્યુ હતું. તલવારબાજી જોઈ પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપડાએ ટિ્‌વટ કહ્યું હતું કે રાજપૂતનું રાજકોટમાં રાજ, શું તલવારબાજી.
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ શુક્રવારે વેસ્ટઇન્ડિઝ સામે એક વિશેષ રેકોર્ડ પોતાને નામ કર્યો છે જે આજસુધી અન્ય કોઇ કરી શક્યુ નથી. કોહલી સતત ત્રણ સીઝનમાં એક હજાર કે તેથી વધુ ટેસ્ટ રન બનાવનાર પહેલો ભારતીય બેટ્‌સમેન બની ગયો છે. આ ઉપરાંત તે એવી ઉપલબ્ધિ હાંસેલ કરનાર દુનિયાનો પહેલો કેપ્ટન પણ બન્યો છે. વિરાટે ગુરુવારે અણનમ રહેતાં ૭૨ રન ફટકાર્યા હતાં. તે હાલની સીઝનમાં એક હજાર રન પૂરા કરવાથી ફક્ત ૪૯ રન જ દૂર છે.
ટીમ ઇન્ડિયાના કેપ્ટને શુક્રવારે પોતાની ઇનિંગ ૭૨ રનથી આગળ વધારી અને પોતાની કરિયરની ૨૪મી સદી ફટકારી. તે સૌથી ઓછી ઇનિંગમાં ૨૪ ટેસ્ટ સદી ફટકારનાર દુનિયાના બીજા બેટ્‌સમેન છે. આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્‌સમેન ડૉન બ્રેડમેનના નામે છે. જેણે ફક્ત ૬૬ ઇનિંગમાં ૨૪ ટેસ્ટ સદી ફટકારી છે.