(એજન્સી) આગરા,તા.૬
યુપીમાના ભાજપના સાંસદ રામશંકર કઠેરિયાની હાજરીમાં તેમના સુરક્ષા ગાર્ડએ ટોલનાકા પર કર્મચારીઓની મારઝુડ કરી હતી. તેમજ ડરાવવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું. સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ હતી. સ્થાનિક મીડિયાના રિપોર્ટ મુજબ ટોલ કર્મચારીઓએ આ અંગેની પોલીસને ફરિયાદ કરી છે. ગાર્ડ દ્વારા કર્મીઓને ગોળી મારવાની પણ ધમકી અપાઈ હતી. મીડિયા રિપોર્ટ મુજબ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિઆયોગના અધ્યક્ષ અને ઈટાવાના સાંસદ રામશંકર કઠેરિયાનો કાફલો ઈનર રીંગરોડ પરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે રીંગ રોડ પર સાંસદના કાર કાફલાએ ટોલ કર્મચારીઓએ રોકયો હતો. ટોલ કર્મચારીઓએ ટોલ ટેકસ માગ્યો હતો. તેથી સાંસદના સુરક્ષા ગાર્ડ નારાજ થયા હતા. ત્યારબાદ ટોલ કર્મચારીઓએ બહાર કાઢી મારઝૂડ શરૂ કરી હતી. ટોલ કર્મીઓ ભેગા થતા તેમને ડરાવવા હવામાં ફાયરિંગ કરાયું હતું. ટોલ કર્મચારીઓએ થપ્પડો ઝીંકી ડંડા લગાવ્યા હતા. તે સમયે સાંસદ કઠેરિયા મૌન રહી તમાશો જોતા રહ્યા. માત્ર ૧૧૦ રૂા.નો ટોલ ટેકસ ચૂકવવા બાબતે આ ઘટના બની હતી. સીસીટીવીમાં ટોલ કર્મચારીઓ રહેમની ભીખ માંગી રહ્યા હતા. છતાં સુરક્ષા ગાર્ડ તેમને મારઝૂડ કરતા રહ્યા.