(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૮
ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારીઓએ વિવિધ માંગણીના સંદર્ભે સરકાર સામે લડતનું રણશીંગુ ફૂંક્યું છે. આજે સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ વિશાળ રેલી કાઢી ડીડીઓને આવેદનપત્ર આપી ફરી માંગણીઓ દોહરાવી હતી. આ રેલી ચોકબજાર ગાંધી પ્રતિમા પાસેથી જિલ્લા પંચાયત સુધીની હતી.
ગુજરાત રાજ્યનાં આરોગ્ય કર્મચારીઓના ૧૩ જેટલા વિવિધ પડતર પ્રશ્નો બાબતે સરકાર દ્વારા ઉદાસીનતા દાખવતા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગર દ્વારા આદેશ મુજબ વિવિધ કાર્યક્રમો જાહેર કરી આદેશ આપવામાં આવેલ જે આદેશ અન્વયે આજરોજ સુરત જિલ્લાના તમામ કેડરોના ૮૦૦થી વધારે આરોગ્ય કર્મચારીઓ ગાંધીબાગ ખાતે ઊમટી પડી. આરોગ્ય કર્મચારીઓની વિવિધ માંગણીઓ સાથે રેલી કાઢવામાં આવી. પુલવામાં જવાનો શહીદ થવાના કારણે મૌન રેલી કાઢી જવાનોને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આરોગ્ય કર્મચારી પુલવામા શહીદ થયેલા જવાનો માટે પોતે ફાળો કાઢી ફાળો એકઠો કરી મહાસંઘને પહોંચાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. મહાસંઘ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ ફાળો આપવામાં આવશે. રેલીમાં ઊમટેલા આરોગ્ય કર્મચારીઓએ એક્કી અવાજે જણાવ્યું કે, જ્યાં સુધી સરકાર આપણી માંગણી ના સંતોષે ત્યાં સુધી સુરત જિલ્લાના ૮૫૩ કર્મચારીઓ અચોક્કસની મુદ્દતની હડતાળ પાડશે. તા.૧૫/૨/૨૦૧૯ના રોજથી શરૂ થયેલી આરોગ્ય કર્મચારીઓની ચોક્કસની મુદ્દતની હડતાળથી આરોગ્ય વિષયક સેવાઓને ગંભીર અસર પડી છે. ટી.બી.ના દર્દીઓને મૂકવામાં આવતાં ઈન્જેકશનો બંધ થઈ ગયા છે. લેપ્રસી પેશન્ટને દવા બંધ થઈ ગઈ છે. સગર્ભા માતાની તપાસ, ધનૂર વિરોધી રસી, નાના બાળકોને પોલિયોના ટીપા તેમજ રસીકરણ સહિતની આરોગ્યલક્ષી કામગીરીને વ્યાપક અસર પહોંચી હતી. એમ અશ્વિન એચ. પટેલ, ઉપપ્રમુખ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.