(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૮
દેશના ૧૦ કેન્દ્રીય શ્રમિક સંઘો દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની કામદાર વિરોધી તથા ઉદ્યોગપતિઓ કોર્પોરેટ હાઉસો તરફી નીતિઓના વિરોધમાં અપાયેલ બે દિવસની હડતાળમાં સુરતની પોસ્ટ ઓફિસ, બેંક, આવકવેરા, મનપા, કલેક્ટર, જિલ્લા પંચાયત, આશા વર્કરો, આંગણવાડી વર્કરો અને ખાનગી કોન્ટ્રાક્ટ પ્રથાના કર્મચારીઓ પણ જોડાયા હોવાનું જાણવા મળે છે.
સુરત ટ્રેડ યુનિયન, સુરત સુધરાઈ મઝદુર યુનિયન, સુરત આવકવેરા વિભાગ કર્મચારી સંઘ સહિત ઈન્ટુક, આઈટુક, સીટુ, એચએમએસ, બેંક, વીમા, ડીફેન્સ, બીએસએનએલ, પોસ્ટ, એસ.ટી., મધ્યાહન ભોજન, આંગણવાડી આશા વર્કરો, બાંધકામના મજૂરો, રોજિંદા કામદારો, કોન્ટ્રાક્ટના મજૂરો, નગરપાલિકા મહાનગરપાલિકાના ફિક્સ પગાર તાલીમાર્થીઓ દ્વારા આજે મોટી સંખ્યામાં હડતાળમાં જોડાયા હતા. બે દિવસની હડતાળ દરમ્યાન આજે સવારે ૧૦ઃ૩૦થી બપોરે ૧ વાગ્યા સુધી ચોકબજાર કિલ્લાના મેદાન ખાતે કામદારોની જાહેર સભા યોજાઈ હતી. આવતીકાલે સવારે ૧૦ઃ૩૦ કલાકે સ્વામી વિવેકાનંદ પૂતળા પાસે, મક્કાઈપુલ નજીક કામદારો દેખાવ અને સૂત્રોચ્ચાર કરનાર હોવાનું જાણવા મળે છે. કામદારોને સામાજિક સુરક્ષા, લઘુતમ વેતન, કામદારોની સ્થિતિ, સમાન વેતન, જેવી વિવિધ માંગણીઓ સાથે આજે કર્મચારી યુનિયનની હડતાળમાં મોટી સંખ્યામાં લોકો જાડાયા હતા. જેની સીધી અસર આજે શહેરની એક પણ પોસ્ટ ઓફિસમાં કામકાજ ન થયું બેંકોની કામગીરીને અસર થઈ. એસએમસી, આવકવેરા, કલેક્ટરમાં કોન્ટ્રાક્ટના કર્મચારીઓની ગેરહાજરી જોવા મળી હતી.