(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૨
વડોદરા મહાનગર પાલિકાના નિમેટા સ્થિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ફરી વિવાદમાં આવ્યો છે. આ પ્લાન્ટ ઉપર કોન્ટ્રાકટમાં નોકરી કરતાં કર્મચારીઓ પાલિકાનાં નિયમોનુસાર અને નિયમિત પગાર આપવાની માંગ સાથે આજે સુત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા અને મ્યુનિ. કમિશ્નરને આવેદન પત્ર આપ્યું હતું.
પગાર બાબતે કર્મચારીઓ દ્વારા મ્યુનિ. કમિશ્નરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, શહેરને પાણી પુુરૂ પાડતા પાલિકાનું નિમેટા ખાતે વોટર ફિલ્ટર પ્લાન્ટ આવેલો છે. ૮ વર્ષ પહેલા પાલિકા દ્વારા મૌખિક ઇન્ટરવ્યુ અને અનુભવને આધારે ૬૦ કર્મચારીઓ નોકરીએ રાખવામાં આવ્યા હતા. કર્મચારીઓનાં પગાર-ધોરણ નક્કી કરવામાં આવ્યા હતા. મહેસાણાની વી.બી. કન્સ્ટ્રકશન કંપનીનાં કોન્ટ્રાકટ હેઠળ નોકરી રાખવામાં આવ્યા હતા. જેમાં હેલ્પર, ઇલેકટ્રીકશયન સહિતનાં કર્મચારીઓને નોકરી આપવામાં આવી હતી. નિમેટા પ્લાન્ટનાં સંચાલનનો કોન્ટ્રાકટ મહેસાણાની કંપનીએ છોડી દીધા બાદ કોર્પોરેશન દ્વારા નિમેટા પ્લાન્ટનાં સંચાલનનો કોન્ટ્રાકટ પુનાની વાબાગ કંપનીને આપવામાં આવ્યો છે. આ કંપનીએ પેટા કોન્ટ્રાકટ આર.કે. કન્સ્ટ્રકશનને આપ્યો છે. પરંતુ આ કંપની દ્વારા નિયમિત પગાર ચુકવવામાં આવતો નથી. કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે. તેમજ પાલિકાના અધિકારીઓને સાથે રાખી નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપવામાં આવે છે. અમારો પગાર પાલિકાના નિયમ મુજબ આપવામાં આવે અને નિયમિત આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. કર્મચારીઓએ સુત્રોચ્ચાર કરી દેખાવો પણ કર્યા હતા. જો, અમારા પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો બે મુદ્દતી હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી હતી.