(એજન્સીં) નવી દિલ્હી, ૧૬
કર્ણાટકમાં ખંડિત ચૂંટણી પરિણામ બાદ સૌથી વધુ બેઠકોનો દાવો કરનારા પક્ષોને બદલે રાજ્યપાલ વજુભાઇ વાળાએ ભાજપના યેદીયુરપ્પાને સરકાર રચવા માટે એક અઠવાડિયાનો સમય આપી દીધો છે. ભાજપ પાસે હાલ ૧૦૪ ધારાસભ્યો છે અને એક અપક્ષનો ટેકો છે તેથી તેના કુલ ૧૦૫ સભ્યો થાય છે, તેમ છતાં બહુમતી પુરવાર કરવા માટે તેને હજુ સાત ધારાસભ્યો ખૂટે છે. બીજી બાજુ કોંગ્રેસ અને જેડીએસે રાજ્યપાલને લેખિત તથા મૌખિકમાં પોતાની બહુમતી પુરવાર કરી છે છતાં તેમને આમંત્રણ અપાયું નથી. કોંગ્રેસ અને જેડીએસે જાહેરમાં પણ પરેડ કરી છે અને વજુભાઇ વાળાને પણ આ અંગે જાણ કરી દીધી હતી. જોકે, હોવું જોઇતું હતું એવું કે, રાજ્યપાલે કોંગ્રેસના સમર્થનવાળા કુમારસ્વામીના દાવાને મંજૂર રાખી આમંત્રણ આપવું જોઇતું હતું પરંતુ રાજ્યપાલે ભેદભાવ રાખી યેદીયુરપ્પાને સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું હતું. બીજી તરફ બે અપક્ષોએ પણ ભાજપને ટેકો આપવા ઇન્કાર કર્યો છે જેથી સ્પષ્ટ રીતે હવે યેદીયુરપ્પા સોદાબાજી કરે તેવી પૂરી સંભાવના છે. યેદીયુરપ્પા કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોને તોડવા માટે પૂરા પ્રયાસ કરે તેવી સંભાવના વધી ગઇ છે, આ ધારાસભ્યોને નાણાં અથવા અન્ય લાલચ અપાઇ શકે છે.