(એજન્સી) બેંગલુરૂ, તા.૯
કર્ણાટકમાં એક મહત્વના ઘટનાક્રમમાં શાસક ગઠબંધનના ૧૩ ધારાસભ્યોના મળેલા રાજીનામામાંથી ૮ ધારાસભ્યોના રાજીનામા ગેરકાનૂની હોવાનું રાજ્ય વિધાનસભાના સ્પીકર કેઆર રમેશ કુમારે જણાવ્યું હોવાથી રાજ્યમાં શાસક કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને રાહત થઇ શકે છે. કર્ણાટકમાં અત્યાર સુધી ૧૬ બળવાખોર ધારાસભ્યો અને બે અપક્ષ ધારાસભ્યોએ ખાતાઓની કરવામાં આવેલી ફાળવણી અંગે અસંતોષ વ્યક્ત કરીને તેમના રાજીનામા આપી દીધા છે. બળવાખોરીના સંકટમાં સહાયરૂપ થવા માટે કોંગ્રેસ અને જેડીએસના બાકીના ધારાસભ્યોએ ગઠબંધન સરકાર બચાવવાના છેલ્લા પ્રયાસરૂપે મંગળવારે રાજીનામા આપી દીધા હતા. જ્યારે કર્ણાટકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધરમૈયાએ એવી જાહેરાત કરી છે કે તેઓ પક્ષ છોડનારા કે બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવાની ગૃહના સ્પીકર સમક્ષ માગણી કરશે. દરમિયાન, કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા ધારાસભ્ય રોશન બેગે પણ રાજીનામું આપતા રાજીનામું આપનારા ધારાસભ્યોની સંખ્યા ૧૬ થઇ ગઇ છે. રોશન બેગના રાજીનામા અંગે ટિપ્પણી કરતા સિદ્ધરમૈયાએ જણાવ્યું હતું કે રોશન બેગનું રાજીનામું પક્ષ વિરોધી પ્રવૃત્તિ છે. દરમિયાન, કર્ણાટક વિધાનસભાના સ્પીકરે જણાવ્યું કે તેમણે રાજ્યના રાજ્યપાલને લખ્યું છે કે કોઇ પણ બળવાખોર ધારાસભ્યે તેમની સાથે મુલાકાત કરી નથી. તેમણે કહ્યું કે ૧૩ બળવાખોર ધારાસભ્યોના રાજીનામાંથી ૮ના રાજીનામા કાયદા મુજબ નથી. તેમણે બળવાખોર ધારાસભ્યોને પોતાની સમક્ષ હાજર થવા માટે સમય આપ્યો છે.