(એજન્સી) બેંગ્લુરૂ, તા. ૭
કર્ણાટકની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઇ છે ત્યારે રાજ્યના કોલ્લારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી બળદગાડા પર દેખાયા અને સાઇકલ પર સવારી કરી જોરદાર ચૂંટણી પ્રચાર કર્યો હતો. રાહુલ ગાંધી જ્યારે સાઇકલ પર સવારી કરી રહ્યા હતા ત્યારે તેમની સાથે એસપીજીના જવાનો પણ દોડી રહ્યા હતા. ભાજપ તરફથી પીએમ મોદી, અમિત શાહ અને યોગી આદિત્યનાથ મોરચો સંભાળી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધી એકલા હાથે ત્રણેય જવાબી પ્રહાર કરી રહ્યા છે. રાહુલે પીએમ મોદી પર મજાક કરતા કહ્યું હતું કે તેઓ હંમેશા સ્પીકર અથવા એરપ્લેન મોડ જ યુઝ કરે છે. રાહુલે જણાવ્યું કે, મોદી છેલ્લા ચાર વર્ષથી કેન્દ્રની સરકાર ચલાવી રહ્યા છે પણ તેમની એક યોજના જણાવે જે જનતાના હિતમાં હોય. ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપને ઘેરતા તેમણે જણાવ્યું હતું કે, કર્ણાટકમાં યેદીયુરપ્પાએ સૌથી ભ્રષ્ટ સરકાર ચલાવી છે અને તે જ સમય હતો જ્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા એકદમ ઠપ્પ થઇ ગઇ હતી. કર્ણાટકની જનતા જાણવા માગે છે કે, યેદીયુરપ્પાએ શું કર્યું છે. પીએમ પોતે જણાવે કે યેદીયુરપ્પા કેટલા નાણા ચોર્યા છે, કેટલી વખત જેલમાં ગયા છે અને તેમની યોગ્યતા શું છે ?
રાહુલ મોંઘવારી મુદ્દે ભાજપને ઘેરતા જણાવ્યું હતું કે, દુનિયાભરમાં પેટ્રોલ એટલું સસ્તું હોવા છતાં ભારતમાં આટલું મોંઘુંં કેમ છે આનો જવાબ સરકારે આપવો જોઇએ. પીએમ ગરીબોના નાણા લૂંટી રહ્યા છે અને તેમને વિકાસના નામે કશું જ મળી રહ્યું નથી. પોતાના ભાષણામાં સિદ્ધરમૈયાસરકારની યોજનાઓ અને ઇન્દિરા કેન્ટિનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, કર્ણાટકમાં વિચારધારાની લડાઇ છે. એક તરફ આરએસએસ-ભાજપની નાગપુરની વિચારધારા છે જ્યારે બીજી તરફ કોંગ્રેસ છે. જનતા દળ હાલ વચ્ચે છે અને તે પણ જણાવે કે તે કોની સાથે છે. આ વિચારધારાની લડાઇમાં તમે વચ્ચે ના રહી શકો, કર્ણાટકની જનતાને જણાવો કે તમે કોંગ્રેસ અથવા ભાજપની સાથે છો. રાહુલે એમ પણ જણાવ્યું કે, મોદી જાણે છે કે, ક્યારે અને કોની મૂર્તિ સામે હાથ જોડવાના છે. તેઓ બાબા સાહેબને સન્માનિત કરે છે અને બાબા સાહેબે જે કહ્યું અને લખ્યું તેની વિરૂદ્ધ કામ કરે છે. પીએમના મૌનને લઇ રાહુલે કહ્યું કે, બિહાર, યુપી, ગુજરાત, મહારાષ્ટ્રમાં દલિતોને મારવામાં આવે છે અને મોદી ચૂપ રહે છે. તેમના મંત્રી બંધારણ પર હુમલા કરી કહે છે કે અમે બંધારણને બદલી નાખીશું ત્યારે પણ મોદી ચૂપ રહે છે. રાહુલે હુંકાર કર્યો કે, ના તો મોદી, ના તો આરએસએસ કે નાતો ભાજપ આ દેશના બંધારને અડી શકશે કારણ કે, તેમની સામે કોંગ્રેસ ઉભી છે અને એક ઇંચ પણ પીછેહટ નહીં કરે.