(એજન્સી) બેંગ્લોર, તા.૧૯
કર્ણાટકની કોંગ્રેસ સરકારે રાજ્યના અલગ ધ્વજ બનાવવા માટે નવ સભ્યોની એક સમિતિની રચના કરી છે. આ કમિટી રાજ્યના અલગ ધ્વજ તથા તે સંબંધિત કાનૂની જોગવાઈઓ પર એક રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત કરશે. જેને આધારે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે તેમ રાજ્ય સરકારના સૂત્રોએ જણાવ્યું હતું. ખુદ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પણ કહ્યું કે રાજ્ય માટે અલગ ધ્વજ હોવો કંઈ ખોટી વાત નથી કારણ કે બંધારણમાં પણ તેની વિરૂદ્ધની કોઈ જોગવાઈ નથી. જો અલગ રાષ્ટ્રધ્વજ અસ્તિત્વમાં આવશે તો કર્ણાટક અલગ રાષ્ટ્રધ્વજ ધરાવનાર જમ્મુ-કાશ્મીર પછીનું બીજું રાજ્ય બનશે. બંધારણની કલમ ૩૭૦માં જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવેલો છે. કર્ણાટકના નામાંકિત કન્નડ લેખક પાટીલ પુત્તપ્પાએ મુખ્યમંત્રી સમક્ષ આ વાતની રજૂઆત કરી હતી જે પછી મુખ્ય સચિવની આગેવાનીવાળી એક સમિતિની રચના કરી હતી. પુત્તપ્પાએ મુખ્યમંત્રી સમક્ષ અલગ રાષ્ટ્રધ્વજ બનાવવાની વિનંતી કરી હતી. આ પેનલમાં કાર્મિક અને વહીવટીય સેવાઓના સચિવો પણ સામેલ છે. મુખ્યમંત્રીએ એવું પણ કહ્યું હતું કે બંધારણમાં આની વિરૂદ્ધ કોઈ જોગવાઈ નથી તેથી રાજ્ય સરકાર અલગ રાષ્ટ્રધ્વજનો અમલ કરી શકે છે. જમ્મુ-કાશ્મીર ભારતનું પહેલું એવું રાજ્ય છે જેનો અલગ રાષ્ટ્રધ્વજ છે. કર્ણાટકમાં ૨૦૧૮ના એપ્રિલ-મેમાં ચૂંટણીઓ થવાની છે. ભાજપ પર નિશાન સાધતાં તેમણે કહ્યું કે શું ભાજપના લોકો કહી રહ્યાં છે તેમને આવા કોઈ ધ્વજની જરૂર નથી. પહેલા તેમને એવું બયાન આપી દેવા દો કે અમારે કર્ણાટક માટે અલગ ધ્વજની જરૂર નથી. ભાજપના લોકો તો પહેલેથી જ ખોટા બયાનો આપવા ટેવાયેલા છે.
કર્ણાટક સરકારે રાજ્યના અલગ ધ્વજ પર એક સમિતિની રચના કરી

Recent Comments