(એજન્સી) બેંગ્લુરૂ, તા. ૧૬
કર્ણાટકમાં સરકાર બનાવવા માટે જો સુપ્રીમમાં જવું પડે તો જઇશું તેમ બુધવારે કોંગ્રેસે જણાવ્યું હતું. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા પર દબાણ લાવવા માટે કોંગ્રેસે આ અંગેનું નિવેદન આપ્યું છે. કોંગ્રેસે ગઠબંધનના નેતા તરીકે જેડીએસ સાથે કુમારસ્વામીની પસંદગી આપી દીધી હતી. અહેવાલો અનુસાર જેડીએસને પોતાના તમામ ધારાસભ્યો સમર્થનમાં હોવાનો વિશ્વાસ છે પણ બીજી તરફ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો બેઠકમાં હાજર નહોતા. અહેવાલો અનુસાર બેઠકમાં કોંગ્રેસના ૭૮માંથી ફક્ત ૭૩ ધારાસભ્યો હાજર હતા. જોકે, કોંગ્રેસે કહ્યું હતું કે, અમારી પ્રદેશ સમિતિની બેઠકમાં ૭૪ ધારાસભ્યો હાજર હતા અને અન્ય ધારાસભ્યો બેંગ્લુરૂ માટે નિકળી ગયા છે. કોંગ્રેસની યોજના તમામ ૭૮ ધારાસભ્યોની રાજભવન ખાતે પરેડ કરવાની છે. કોંગ્રેસ સાથે જેડીએસ પણ પોતાના ધારાસભ્યોની ઓળખ પરેડ કરાવશે તેમ સૂત્રોએ કહ્યું હતું. બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ કહ્યું છે કે, જેડીએસ અને કોંગ્રેસ મળીને સરકાર બનાવશે. જ્યારે ભાજપને ૧૦૪ બેઠકો મળી છે ત્યારે રાજ્યપાલે જેડીેસ અને કોંગ્રેસના ગઠબંધનને સરકાર રચવા આમંત્રણ આપવું જોઇએ. અહેવાલો મુજબ કેટલાક કોંગ્રેસના ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની માહિતીથી કોંગ્રેસના ભવાં ઉંચકાયા છે. દરમિયાન કોંગ્રેસ તરફથી બેંગ્લુરૂમાં રણનીતિ બનાવી રહેલા ગુલામનબી આઝાદે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, ભાજપ અમારા ધારાસભ્યોને ધમકાવી રહ્યો છે, તેમના પર દબાણ લાવી રહ્યો છે, ભાજપને લોકતંત્ર પર વિશ્વાસ નથી. જો રાજ્યપાલ બંધારણીય મૂલ્યોનું પાલન નહીં કરે અને અમને સરકાર બનાવવા માટે આમંત્રિત નહીં કરે તો અહીં ખુની સંઘર્ષ થશે.