(એજન્સી) બેંગ્લુરૂ, તા.ર૧
જો કર્ણાટકમાં આજે ચૂંટણી યોજાય તો કોંગ્રેસ પોતાની સત્તા જાળવી શકે છે. ચૂંટણી પહેલાંનું સર્વે ‘સી’ ફોર દ્વારા કરવામાં આવ્યું છે જેમના તારણો મુજબ કોંગ્રેસને ૪૩ ટકા, ભાજપને ૩ર ટકા અને જેડીએસને ૧૭ ટકા મતો મળવાની શક્યતા છે. જે મુજબ કોંગ્રેસને ૧ર૦-૧૩ર બેઠકો, ભાજપને ૬૦-૭ર અને જેડીએસને ર૪-૩૦ બેઠકો મળવાની શકયતા છે. આ સર્વે ૧૯મી જુલાઈથી ૧૦મી ઓગસ્ટ ર૦૧૭ના સમયગાળામાં કરાયું હતું જેમાં ગ્રામ્ય અને શહેરી એમ બન્ને મતવિસ્તારોને આવરી લેવામાં આવ્યું હતું. કર્ણાટકમાં ચૂંટણીઓ ર૦૧૮ની શરૂઆતમાં થવાની છે. ક્ષેત્રો પ્રમાણે કોંગ્રેસ જૂના મૈસૂર, હૈદરાબાદ, કર્ણાટક, બેંગ્લોર અને મધ્ય કર્ણાટકમાં વધુ વર્ચસ્વ ધરાવે છે જ્યારે ભાજપ બોમ્બે, કર્ણાટક અને દરિયાઈ વિસ્તારોમાં વર્ચસ્વ ધરાવે છે. જાતિ મુજબ મહિલાઓ કોંગ્રેસને વધુ પસંદ કરે છે જ્યારે પુરૂષો ભાજપને પસંદ કરે છે. જો કે વયજૂથમાં બધી જ વયના લોકોની પ્રથમ પસંદ કોંગ્રેસ છે એ પછી ભાજપ છે. લોકોને પૂછાયું હતુું કે, સરકારની કઈ યોજનાઓ શ્રેષ્ઠ છે જેમાંથી ૭૯ ટકા લોકોએ અન્ના ભાગ્યા અને મધ્યાહન ભોજનને જણાવ્યું હતું. લોકોએ ફરિયાદો કરી હતી કે પીવાના પાણીની અછત, ખરાબ રસ્તાઓ, સ્વચ્છતાની સગવડોનો અભાવ, વીજળીની અછત એ લોકોના મોટા પ્રશ્નો છે. પણ કાયદો વ્યવસ્થા, ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારીને લોકોએ મોટો પ્રશ્ન ગણાવ્યો ન હતો.