(એજન્સી) બેંગ્લુરૂ, તા.ર૮
એક ખૂબ જ દુઃખદ ઘટના બની છે જેમાં કર્ણાટકના કોંગ્રેસના નવા ચૂંટાયેલ ધારાસભ્ય સિદ્દુ.બી.ન્યામાગૌડાનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. ગોવાથી એ પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે બગાલકાંટે જિલ્લામાં વહેલી સવારે અકસ્માત થયું હતું. પોલીસે જણાવ્યું કે, ન્યામાગૌડા પોતાના મતવિસ્તાર જામખંડી તરફ જઈ રહ્યા હતા ત્યારે એમની કાર દીવાલ સાથે અથડાઈ હતી. મુસાફરી કરી રહેલ ન્યામાગૌડાને ગંભીર ઈજાઓ થઈ હતી જેના લીધે એ સ્થળ ઉપર જ મૃત્યુ પામ્યા હતા. કોંગ્રેસ પક્ષે એમના મૃત્યુ બદલ સાંત્વના પાઠવતા સંદેશો મોકલ્યો છે. એમણે લખ્યું છે કે, અમારા વરિષ્ઠ નેતાના અકાળે અવસાનથી અમને ઘણું દુઃખ થયું છે. અમે એમના કુટુંબીજનોને સાંત્વના પાઠવીએ છીએ. પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પણ સાંત્વના પાઠવી છે. પક્ષના ધારાસભ્ય સિદ્દુ ન્યામાગૌડાના અકાળે અવસાનથી અમને ઘણું દુઃખ થયું છે. ન્યામાગૌડાએ બાગલકોટ મતવિસ્તારથી લોકસભામાં ૧૯૯૧થી ૧૯૯૬ સુધી પ્રતિનિધિત્વ કર્યું હતું. નરસિંહમારાવની સરકારમાં એ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂકયા હતા. ૭૦ વર્ષીય ધારાસભ્ય દિલ્હીથી ગોવા વિમાન માર્ગે આવ્યા હતા અને ગોવાથી પોતાના ઘરે કાર દ્વારા જઈ રહ્યા હતા. એ પોતાની પાછળ પત્ની, બે પુત્રો અને ત્રણ પુત્રીઓ મૂકી ગયા છે.