(એજન્સી) બેંગલુરૂ, તા. ૧૮
કર્ણાટક વિધાનસભામાં શનિવારે નવા મુખ્ય પ્રધાન યેદિયુરપ્પાએ બહુમતી પુરવાર કરવાની છે તેના એક દિવસ પહેલા શુક્રવારે રાજ્યના રાજ્યપાલ વજુભાઇ વાળાએ ગૃહના સૌથી વરિષ્ઠ સભ્યને પ્રોટેમ સ્પીકર નિયુક્ત કરવાની પરંપરા તોડીને ભાજપના નેતા અને ધારાસભ્ય કેજી બોપૈયાને ગૃહના પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરી દીધા છે. કોંગ્રેસે બોપૈયાની પ્રોટેમ સ્પીકરપદે નિયુક્તિને સુપ્રીમકોર્ટમાં પડકારવાનો નિર્ણય લીધો છે.
નવી વિધાનસભામાં ગૃહની કાર્યવાહી હાથ ધરવા માટે પ્રોટેમ સ્પીકર નિયુક્ત કરવામાં આવે છે. પ્રોટેમ સ્પીકર કાર્યકારી સ્પીકર હોય છે. કાયમી સ્પીકરની પસંદગી કરવામાં આવે ત્યાં સુધી પ્રોટેમ સ્પીકર ગૃહની કાર્યવાહી સંભાળે છે. સ્પીકર અને નાયબ સ્પીકરના હોદ્દાઓ ખાલી હોય છે ત્યારે પ્રોટેમ સ્પીકર ગૃહની કાર્યવાહી સંભાળે છે.
સામાન્ય રીતે ગૃહના સૌથી વરિષ્ઠ સભ્યને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવે છે. પ્રોટેમ સ્પીકર પાસે સ્પીકરની બધી જ સત્તા હોય છે. નવા ચૂંટાયેલા ધારાસભ્યો કે સાંસદોની ગૃહની પ્રથમ બેઠકનું નેતૃત્વ પ્રોટેમ સ્પીકર કરે છે. પ્રોટેમ સ્પીકરનું મુખ્ય કાર્ય નવા સભ્યોને શપથ લેવડાવવાનું હોય છે. નવા સ્પીકર ચૂંટી કાઢવામાં પણ તે સભ્યોને સહાય કરે છે. નવા સ્પીકર ચૂંટાવાની સાથેે જ પ્રોટેમ સ્પીકરની કામગીરી પુરી થઇ જાય છે.
ભાજપને સહાય કરવા માટે અસંતુષ્ટ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાના બોપૈયાનો ઇતિહાસ છે. કોંગ્રેસને એવી ચિંતા છે કે બોપૈયા ફરી આવું કરી શકે છે. અગાઉ, કર્યા મુજબ મતોના વિભાજનને બદલે તેઓ મૌખિક મતદાનની હાકલ કરી શકે છે.
૨૦૧૪માં મહારાષ્ટ્રના સ્પીકરે મૌખિક મતદાનથી ફડણવીસ સરકારમાં વિશ્વાસ વ્યક્ત કરવાની દરખાસ્ત હાથ ધરવાનો નિર્ણય લીધો હતો. મૌખિક મતદાનથી ફડણવીસ સરકારે વિશ્વાસનો મત મેળવ્યો હતો.
બોપૈયા યેદિયુરપ્પાના જાણીતા સમર્થક અને સહયોગી છે. ઓક્ટોબર ૨૦૧૦માં ખાણ કૌભાંડ સામે રોષ ફાટી નીકળ્યો ત્યારે ભાજપના ઘણા ધારાસભ્યોએ યેદિયુરપ્પાની સરકાર સામે વાંધો ઉઠાવ્યો હતો. બોપૈયાએ એક વિવાદાસ્પદ પગલું ભરીને ભાજપના ૧૧ અસંતુષ્ટ ધારાસભ્યો અને પાંચ અપક્ષ ધારાસભ્યોને ગેરલાયક ઠરાવીને ભાજપ સરકારને સત્તામાં ટકાવી રાખવામાં સહાય કરી હતી.