(એજન્સી) તા.ર૬
કર્ણાટકના મૈસૂર રાજ્યના ૧૮મી સદીના શાસક ટીપુ સુલતાનના નામે હજ હાઉસનું નામ બદલવાની યોજના પર જારી વિવાદ વચ્ચે રાજકારણ ગરમાયું છે. ભાજપના નેતા કે.જી.બોપૈયાએ કહ્યું હતું કે તેમની પાર્ટી આ ભવનનું નામ દિવંગત પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે.અબ્દુલ કલામના નામે રાખવા માગે છે. બોપૈયાએ કહ્યું કે પ્રદેશ અધ્યક્ષ બી.એસ.યેદ્દિયુરપ્પા સહિત અમારી પાર્ટીના નેતાઓ ઈચ્છે છે કે હજહાઉસનું નામ ટીપુ સુલતાનને બદલે પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામજીના નામે રાખવું જોઈએ. પૂર્વ વિધાનસભા અધ્યક્ષ બોપૈયાએ આશંકા વ્યક્ત કરતાં કહ્યું કે જો કર્ણાટક સરકાર ટીપુ સુલતાનના નામે હજહાઉસનું નામ રાખશે તો કદાચ સમગ્ર રાજ્યમાં સાંપ્રદાયિક સદભાવ બગડી શકે છે અને કોમી રમખાણો ફાટી નીકળશે. બોપૈયા લઘમુતી કલ્યાણ તથા વક્ફમંત્રી બીજેડી જમીર અહેમદ ખાનના ૨૨ જૂને આપેલા નિવેદન પર પ્રતિક્રિયા આપી રહ્યાં હતાં. ખાને કહ્યું હતું કે તે મુખ્યમંત્રી સાથે હજહાઉસનું નામ બદલી હજરત ટીપ સુલતાન હજ ઘર રાખવાની માગણી અંગે ચર્ચા કરશે. ભાજપ હજ હાઉસનું નામ બદલી યોજનાનો વિરોધ કરતાં કહે છે કે આ ઈમારત સંપૂર્ણ મુસ્લિમ સમુદાય માટે છે ન કે ફક્ત ટીપુના અનુયાયીઓ માટે છે. વરિષ્ઠ ભાજપ નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી આર. અશોકે કહ્યું હતું કે હજ હાઉસ યેદ્દિયુરપ્પા સરકારની વિકાસ પરિયોજનાઓનો ભાગ હતો અને કોંગ્રેસ સરકાર હવે તેને ટીપુ સુલતાનના નામે રાખીને પોતાની ઉપલબ્ધિ બતાવવાનો પ્રયાસ કરી રહી છે. ગત વર્ષે ટીપુ જયંતિને લઈને પણ કર્ણાટકમાં રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે.